ભાવનગર નદીમાં કાર ખાબકતા એક જ પરિવારના 3 સભ્યોના મોત , બેનો બચાવ
ધ્રાંગધ્રા નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે યુવક કાળનો કોળિયો બન્યા
સોરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસતા વરસાદે તારાજી સર્જી છે.જેમાં વરસાદના પાણીમાં તણાઈ જતા અને ડૂબી જતા પાંચ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે તેમાં બે લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.જેમાં ભાવનગર જિલ્લાના તળાજા ખાતે એક કાર પાણીમાં તણાઈ જતા તેમાં બેઠેલા એક જ પરિવારના પાંચ સભ્યો પાણીમાં ગરક થયા હતા જેમાં ત્રણના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને બેનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો.જ્યારે ધ્રાંગધ્રાની નર્મદા કેનાલમાં એક યુવાન ડૂબી રહ્યો હતો.ત્યારે તેને બચાવવા એક યુવક કેનાલમાં પડ્યો હતો.જેમાં બંનેના ડૂબી જતાં મોત નીપજ્યા હતા.
પ્રથમ બનાવની વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા નજીકના પાવઠી ગામનો પંચોળી આહીર સમાજના ઝીંઝાળા પરિવાર ના પાંચ સભ્યો વેગન આર કાર લઈને જૂની કામરોળ ગામે સુરધન દાદા ના દર્શન કરવા ગયા હતા તે સમયે વચ્ચે આવતા નેરામાં પાણી નો ધસમસતો પ્રવાહ હોવા છતાંય ઊંડાઈ અને પાણીના તાણ નો ખ્યાલ ન રહેતા કાર થોડીક પાણીમાં ઉતારતા તણાઈ ને પાણી માં ગરકાવ થઈ જતા કાર મા બેસેલ પાંચેય વ્યક્તિ ડૂબવા લાગ્યા હતા.જેમાં જૂની કામરોળ ગામના હિંમતવાન યુવકોએ પાણીમાં પડી ડૂબેલાને બચાવવા નો પ્રયાસ કરેલ. જેમાં એક બાળક અને તેના પિતા ને બચાવી શકાયા હતા. બે મહિલા અને એક બાળકી નુ મોત નિપજેલ.
તળાજાના પાવઠી ગામે રહી ખેતીનો વ્યવસાય કરતા ખેડૂત ઝીંઝાળા પરિવાર ના ઘેર બાળકનો જન્મ થયો હોય તે બાળકને સવા મહિના નો થાય તે પહેલાં જૂની કામરોળ ગામે સુરધન વાલાદાદાને પગે લગાડવાની માનતા હોય દીકરો આજે પચીસ દિવસ નો થતા પગે લગાડવા ગયા હતા.
સાંજના અરસામા કાર નં.જીજે 05 સીએફ 3080 લઈને ગયા હતા.કાર ભદ્રેશભાઈ વેલજીભાઈ ઝીંઝાલા ચલાવતા હતા.જૂની કામરોળ જ્યાં સુરધાનદાદા બેઠા છે ત્યાં નજીકમા જ આવેલ નેરામાં પાણીનો ઊંડાઈ અને પ્રવાહની ખબર ન રહેતા કાર ચલાવવા જતા તણાઈ ને ડૂબવા લાગી હતી.એ ઘટના એક મહિલા નઝરે જોઈ જતા દેકારો કરતા ત્યાં આસપાસ ના વાડીઓ વાળા ક્ષત્રિય પરિવાર ના યુવાનો દોડી આવ્યા હતા.ડૂબેલા વ્યક્તિ ને બચાવવા જીવના જોખમે કામે લાગ્યા હતા.કારમાં બેસેલ પાંચેય વ્યક્તિ ને બહાર કાઢી તળાજા 108 ને ફોન કરતા પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ, ઇમટી હરેશ જાની એ પાંચેય વ્યક્તિ ને ગંભીર હાલતે ડો.બલદાણીયા ની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં દયાબેન ભદ્રેશભાઈ ઉ.વ.35, અર્મી ભદ્રેશભાઇ ઉ.વ.2, મુકતાબેન વેલજીભાઈ ઉ.વ.50 ને.મૃત જાહેર કરેલ.25 દિવસ નું બાળક અને તેના પિતા ભદ્રેશભાઈ વેલજીભાઈ ને સારવાર મળતા તેઓ ની સ્થિતિ સારી હોવાનું ડો.છોટાળા એ જણાવ્યું હતું.
જ્યારે બીજા બનાવની વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બે પરપ્રાંતીય યુવકોના ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. આ ચકચારી ઘટના બાદ આઠ કલાકની ભારે જેહમત બાદ બંને યુવાનોની ડેડબોડી કેનાલમાંથી શોધખોળ કરી બહાર કાઢવામાં આવી હતી.આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા કેનાલે ઘટનાસ્થળે એકઠા થયા હતા. જેમાં ધ્રાંગધ્રાના સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા (લાલભા) અને ધ્રાંગધ્રા નગરપાલિકા સહિતની ટીમે કેનાલમાંથી બંને યુવકોની લાશને ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને પરપ્રાંતિય યુવકોની લાશોને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આ બંને પરપ્રાંતિય યુવકોના કેનાલમાં ડૂબી જવાની ઘટના બાદ બંનેના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.