ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની હજારો ગુણીઓ પલળી ગઈ, વૃક્ષો અને સોલાર પેનલો ધરાશાયી, ઓરડાઓના છાપરા ઉડ્યા: ધારી-લાઠીમાં પણ વરસાદ

અરબી સમુદ્રમાં એક લો-પ્રેસર બની રહ્યું છે જે આજથી સક્રિય થાય તેવી સંભાવના છે ત્યારે પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રવિવારે બપોરબાદ ગોંડલ, જસદણ ધારી અને લાઠી પંથકમાં વરસાદ પડ્યા હતા. ગોંડલમાં ૧૦ મિનિટ સુધી પડેલા ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી દીધી હતી. તો જસદણમાં કરા પડ્યા હતા. આગામી ૩ થી ૫ જૂન દરમિયાન વાવાઝોડાની અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

ગોંડલ શહેર પંથકમાં રવિવારે ગરમીનો પારો ઊચો રહ્યા બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયું હતું જોતજોતામાં જ દસ મિનિટની વરસાદી આંધી આવી ચડતા ઠેરઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ત્રણ હજારથી પણ વધુ ગુણીઓ પલળી હતી, જેતપુર રોડ, ગુંદાળા રોડ તેમજ પંથકના ઘણા ગામોમાં અસંખ્ય વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત ઔદ્યોગિક વસાહત જામવાળી જીઆઇડીસી નજીક કેટલાક કારખાનાઓના છાપરા ઉડયા હતા તો શ્રમિકોની ઓરડીઓ પણ ધરાશાયી થવા પામી હતી .શહેર તાલુકામાં વીજ બીલથી બચવા માટે લોકો દ્વારા ઠેરઠેર સોલાર પેનલ ફીટ કરવામાં આવી હોય ઘણી સોલાર પેનલો પતંગની માફક રાજમાર્ગો પર પટકાઈ હતી.

શહેરના ગુંદાળા રોડ ઉપર પાલિકા તંત્ર દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી બુગ્દાનુ કામ ગોકળ ગતિએ હાથ ધરાયું હોય વરસાદી આંધીમાં કચરાના ગંજ થી ભરાઈ જતા પાલિકા તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થવા પામી હતી.

માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની ૨૦ હજારથી પણ વધુ ગુણીની આવક નોંધાઈ હોય સદ્દનસીબે તે પ્લાસ્ટિકના પેકિંગમાં હતી અને છાપરાની અંદર ગોઠવી દેવામાં આવી હોય સફેદ તલને નુકસાની થવા પામી ન હતી જ્યારે ત્રણ હજાર ગુણી મગફળી મેદાનમાં પડી હોય વરસાદમાં કેટલીક ગુણીઓ પલળી જવા પામી હતી.

કેશર હાફુસ રત્નાગીરી કેરીનુ પણ ગોંડલ હબ બન્યુ હોય નાના વેપારીઓ દ્વારા રાજમાર્ગો ઉપર બોક્સ રાખી વેચાણ કરાતુ હોય વરસાદી આંધીમાં ઘણા કેરીના બોક્સ પલળી જતા નુક્સાની વેઠવાનો વારો આવ્યો હતો.

જસદણ શહેર અને તાલુકાના ગામડાઓમાં રવિવારે સાંજે બરફના કરા સાથે અંદાજે અડધી કલાક ગાજવીજ અને પવન સાથે જોરદાર ઝાપટું પડ્યું હતું. અચાનક કેટલાંક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગયાં બાદ એક કલાક પછી વીજ પુરવઠો પૂર્વરત થયો હતો. ત્યારે પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી અંગે કેટલાંક સવાલો ઉઠ્યાં હતાં. ઝાપટારૂપી વરસાદ બાદ બફારાનું પ્રમાણ વધતાં લોકો અકળાઈ ઉઠ્યાં હતાં. તાલુકાના બળધોઈ ગામ સહિત કેટલાક ગામડાઓમાં બરફના કરા પણ પડ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.