- 17 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, 100થી વધુ ટ્રેનો રદ: તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં 110 ગામો બેટમાં ફેરવાયા
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સતત વરસાદને કારણે ઘણા શહેરોમાં સ્થિતિ વણસી ગઈ છે. ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.19 લોકોના મોત થયા છે. 2.76 લાખ લોકો પ્રભાવિત થયા છે. બીજી તરફ 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.
રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. ટ્રાફિકને માઠી અસર થઈ છે. તે જ સમયે, તેલંગાણામાં ભારે વરસાદને કારણે, આજે પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે 1998 પછી આ પ્રકારનું પૂર આવ્યું છે. 17 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિજયવાડામાં હાલત સૌથી ખરાબ છે. જ્યાં કેટલાક વિસ્તારોમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા છે. શહેરમાં પૂરથી 2.76 લાખ લોકો પ્રભાવિત થયા છે.
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં 110 ગામો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં 17 હજાર લોકોને બચાવીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
પૂર અને વરસાદને કારણે તેલંગાણામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે આંધ્ર પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સંજોગોમાં આંધ્ર-તેલંગાણા બોર્ડર પાસે ગારિકપાડુમાં પાલેરુ પુલને ભારે નુકસાન થયું છે. પુલનો એક ભાગ ધોવાઈ જવાને કારણે નેશનલ હાઈવે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના કારણે અનેક લોકોને રસ્તા પર સૂઈને રાત વિતાવવી પડી રહી છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે વિજયવાડા શહેરના ઘણા ભાગોમાં પૂરના કારણે લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નાયડુએ કહ્યું કે રવિવાર રાત સુધી પ્રકાશમ બેરેજમાંથી 9.7 લાખ ક્યુસેક પૂરનું પાણી છોડવામાં આવ્યું હતું. આ પ્રકારનું પૂર છેલ્લે 1998માં આવ્યું હતું. ત્યારબાદ પ્રકાશમ બેરેજમાંથી 9.24 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વખતે છોડવામાં આવેલ પાણી 50 હજાર ક્યુસેક વધુ છે.
તેલંગાણાના ઘણા ભાગોમાં વિનાશકારી પૂર વચ્ચે, એક પીડિત પરિવારના બચાવની વાર્તા પ્રકાશમાં આવી છે. ખમ્મમમાં સ્થાનિક લોકોએ એક પરિવારને બચાવી લીધો છે. ખમ્મામની રહેવાસી અકુલા રાનીએ કહ્યું, ’સંબંધીઓએ તરવૈયાઓની મદદથી ખમ્મામમાં ફસાયેલા અમારા પરિવારને બચાવ્યો. પોલીસ અને પ્રશાસનમાંથી કોઈ અમારી મદદ કરવા આવ્યું નથી.