ઇન્ડિયન આર્મીના 78 જવાન તૈનાત: ઓખા બંદર પર લાંગરેલી બોટોને નુકશાન: અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી: વીજ પુરવઠો ખોરવાયો
ગુજરાત પર સંકટ વધુ ઘેરુ બનતુ જઇ રહ્યુ છે. ધીરે ધીરે વાવાઝોડુ કચ્છના જખૌ તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શરુઆત થઇ છે. આગાહી વચ્ચે ભારે પવન ફુંકાવાની સાથે વરસાદી માહોલ છવાયો છે.
બિપોરજોયના ખતરાને જોતા દ્વારકામાં ઈન્ડિયન આર્મીની બટાલીયન તૈનાત કરવામાં આવી છે. ઈન્ડિયન આર્મીના 78 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આર્મી બટાલીયનની મુલાકાત લીધી હતી. સાથે જ જવાનોનો જૂસ્સો વધાર્યો હતો. આર્મીની બટાલીયન રેસ્ક્યૂ માટેના ઉપકરણો સહીત તૈનાત કરવામાં આવીછે સાથે જ આ બટાલીયનમાં તબીબ અને એન્જિનિયરની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.
વાવાઝોડાના કારણે દેવભૂમિ દ્વારકામાં ઓખાના બંદર પર લાંગરેલી બોટને નુકસાન થયુ છે. દરિયામાં ભરતીના કારણે બોટને નુકસાન પહોંચ્યું છે. ફિશીંગ બોટ એકબીજા સાથે અથડાતી જોવા મળી હતી ઓખા-આરંભડા વચ્ચે 3000 જેટલી બોટ લાંગરી દેવામાં આવી છે. દ્વારકામાં બિપોરજોય વાવાઝોડા પહેલા જ ભારે નુકસાન થયું છે, ત્યારે દ્વારકા-પોરબંદર હાઇવે પર વીજપોલ ધરાશાયી થયા છે. બરાડિયા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વીજપોલ ઉખડી પડયા. બિપોરજોઈ વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ઉખડી પડતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.