જુનાગઢ સહિત સોરઠના અમુક વિસ્તારોમાં ગઈકાલે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હોવાના વાવડ મળી રહ્યા છે. તો જૂનાગઢ શહેરમાં ગત મોડી સાંજે પડેલા વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું.
જૂનાગઢ શહેરમાં ગઈકાલે મોડી સાંજે સાત વાગ્યાના અરસામાં વીજળીના ગાજવીજ સાથે વરસાદનું ભારે ઝાપટું આવી ગયું હતું અને સતત પંદરથી વીસ મિનિટ પડેલા આ વરસાદથી જૂનાગઢના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારો તથા ખાડાઓ પાણીથી ભરાઈ જવા પામ્યા હતા.
સાંજના સમયે પડેલા આ વરસાદથી શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યું હતું. દરમિયાન જૂનાગઢ શહેરની સાથે જુનાગઢના ગ્રામ્ય વિસ્તાર, ભેસાણ અને વંથલી પંથકમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડયા હોવાના વાવડો મળી રહ્યા છે.
આમ તો, સોમવારે બપોર બાદ જ જૂનાગઢ શહેરમાં તડકો થોડો ઓછો થયો હતો, પરંતુ વાતાવરણમાં ઉકળાટ ભારે જોવા મળી રહ્યો હતો. અને બપોર બાદ આકાશમાં વાદળો છવાયા હતા. ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં એકાએક વરસાદી મોટુ ઝાપટુ આવી જતા ચોમાસા જેવું વાતાવરણ ખડું થઇ જવા પામ્યું હતું.દરમિયાન જૂનાગઢ માં પડેલા વરસાદથી કેરીના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
એક તરફ વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં કેરીઓ ખરી ગઈ છે અને પાણીના ભાવે આ કેરીઓ બોક્સમાં ભરી વેચાઈ રહી છે, ત્યારે જ વરસાદ થતાં કેરીના બોક્સને બચાવવા માટે વેપારીઓને પ્લાસ્ટિકનો સહારો લેવો પડ્યો હતો પરંતુ અનેક વેપારીઓના કેરીના બોક્સ પલળી જવા પામ્યા હતા. બીજી બાજુ વંથલીની કેરી બજારમાં મોડી આવતી હોય છે ત્યારે આંબા ઉપર રહેલી કેરીને પણ આ વરસાદ નુકસાન કરશે તેવું આંબાવાડિયાના ખેડૂતો જણાવી રહ્યા છે.