છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 તાલુકોમાં મેઘમહેર: સૌથી વધુ ગણદેવીમાં સવા પાંચ ઈંચ વરસાદ જયારે જલાલપોરમાં સાડા ચાર ઈંચ વરસાદ: આજે પણ સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી
અત્યારે દિવસમાં ગરમી અને રાત્રીના સમયે ઠંડું વાતાવરણ થતાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતમાં વરસાદ યથાવત્ રહેશે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદના સંકેત છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા આગામી બે દિવસમાં શરૂ થશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને કચ્છમાંથી આગામી બે દિવસ દરમિયાન દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.આથી કહી શકાય કે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે. સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાંમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં તેમજ દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાંના વરતારા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગણદેવીમાં સૌથી વધુ સવા પાંચ ઈંચ વરસાદ જ્યારે જલાલપોરમાં 4.5 ઈંચ, પલસાણામાં 3.5 ઈંચ, નવસારીમાં 3.5 ઈંચ જયારે વઘઈમાં 2.5 ઈંચ, સુબિરમાં સવા બે ઈંચ જયારે ઉમરગામ અને વાંસદામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 48 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
નવરાત્રીમાં વરસાદ વિઘ્ન નહિ બને
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રી વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.