છેલ્લા 26 દિવસમાં 62 ઇંચ વરસાદ ખાબક્યો : નાગપુર સહિતના શહેરોમાં પણ જળબંબાકાર
મુંબઈમાં વરસાદે જુના રેકોર્ડ તોડ્યા છે. છેલ્લા 26 દિવસમાં અધધધ 62 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેવામાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવતા શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર અને તેલંગાણામાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે બંને રાજ્યોમાં જળબંબાકાર સર્જાયો છે. તેલંગાણાના મુલુગુમાં નેશનલ હાઇવે-163 પુલ પર પાણી વહી રહ્યું છે. તો ત્યાં જ મુંબઈ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નાગપુરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર સામે આવ્યા છે. નરેન્દ્ર નગર રેલ્વે અંડર બ્રિજ અને એરપોર્ટ એન્ટ્રી રોડ પાણી ભરાવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગના મુંબઈ કેન્દ્રે આજે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજો માટે રજાના આદેશો જારી કર્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે ઈતિહાસમાં પહેલીવાર મુંબઈમાં આટલો વરસાદ નોંધાયો છે. અગાઉ આ રેકોર્ડ વર્ષ 2020માં નોંધાયો હતો. તે દરમિયાન સાંતાક્રુઝમાં 1502 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વર્ષ 2023માં 1 જુલાઈથી 26 જુલાઈની સવાર સુધી, આ આંકડો 1433 મિલીમીટર પર પહોંચી ગયો હતો. આજે આ રેકોર્ડ 1557.8 મિલીમીટર પર પહોંચતાની સાથે જ તૂટી ગયો હતો.
ભારતીય હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં 153.5 મિલીમીટર, રામ મંદિર વિસ્તારમાં 161 મિલીમીટર, બાયકુલામાં 119 મિલીમીટર, સાયનમાં 112 મિલીમીટર અને બાંદ્રામાં 106 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ સિવાય કોલાબામાં ભારે વરસાદ નોંધાયો હતો.
બીએમસી અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે સવારે 6:38 વાગ્યે 3.31 મીટરની ઉંચી ભરતી આવી હતી અને આગામી 3.32 મીટરની ઉંચી ભરતી સાંજે 5:58 વાગ્યે આવવાની શક્યતા છે. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે ઉપનગરીય સેવાઓ સામાન્ય હતી, પરંતુ કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે ટ્રેન ઓછામાં ઓછી 10થી 15 મિનિટ મોડી ચાલી રહી હતી. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શહેરમાં ક્યાંય પણ બસ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું નથી.