મોરબીમાં ઠેર ઠેર ગટરો ઉભરાવના પ્રશ્નો છે. ત્યારે સ્વચ્છતાની ગુલબાંગો ફેકતું તંત્ર કોઈ કાર્યવાહી કરતું ન હોવાથી ગટર ઉભરાવાની સમસ્યા વકરી છે. ગટરો ઉભરાતા વસંત પ્લોટની શેરીઓમાં તો જાણે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરબીના વસંત પ્લોટની મોટાભાગની શેરીઓમાં ગટરો છેલ્લા કેટલાક સમયથી ઓવરફ્લો થઈ રહી છે. શેરીઓમાં ગટરના દૂષિત પાણી વહેતા હોવાથી બેસુમાર ગંદકી ફેલાઈ રહી છે. લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું હોવા છતા તંત્ર હદ બહારની બેદરકારી દાખવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી જ રીતે વસંત પ્લોટમાં આવેલ લોહાણા બોર્ડિંગ પાસે ગટર છલકાઈ રહી છે.
જોકે અહિ તો બારેમાસ ગટરની ગંદકીનો ઉપદ્રવ થતો રહે છે. જેથી આસપાસના લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર વારંવાર સ્વચ્છતા જાળવવાની ગુલબંગો હકયે જાય છે. પરંતુ ઘણા ખરા વિસ્તારોમાં ઉભરાતી ગટરથી તંત્રની પોલ ઉઘાડી પડી છે. તંત્રએ વાતોના વડા કરવાને બદલે સ્વચ્છતા માટે નક્કર આયોજન ઘડવાની જરૂર છે.