સરિતા ગાયકવાડે ગુરુવારે જાકાર્તા ખાતે એશિયન ગેમ્સમાં 4×400 મીટર રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો
ડાંગ જિલ્લાની સામાન્ય પરિવારની દીકરી સરિતા ગાયકવાડ હવે ગુજરાતની ગોલ્ડન ગર્લ બની ગઈ છે. ડાંગની સરિતા ગાયકવાડે ગુરુવારે જાકાર્તા ખાતે એશિયન ગેમ્સમાં 4×400 મીટર રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતા ગાયકવાડને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેને 2 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કલોલમાં સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જેથી સરિતાના ઘરે ખુશીનો માહોલ છવાયો છે. જેમાં ધારાસભ્ય મંગળ ગાવીત પણ હાજર રહ્યા હતા. અને સરિતાના માતા-પિતા સાથે નૃત્યથી ખુશી વ્યક્ત કરી એક મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી છે.
સરિતા ગાયકવાડનો જન્મ 1 જૂન, 1994માં ડાંગના કરાડીયાઆંબામાં લક્ષ્મણભાઇને ત્યાં થયો હતો. તેની માતાનું નામ રમુબેન છે. તેઓ ચોમાસામાં ખેતી કામ કરે અને શિયાળા અને ઊનાળામાં તેઓ બીજા ગામે જઈ મજૂરી કામ કરીને ઘરનું ભરણ પોષણ કરે છે. સરિતા ગાયકવાડ પહેલા ખો -ખોની ખેલાડી હતી. વર્ષ 2012માં તેણે ખેલમહાકુંભમાં પાંચ ઇવેન્ટમાં ભાગ લઇ પહેલા નંબરે આવી હતી. જેમાં તેને પાંચેય રમતમાં 25 હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું હતું. જેના બાદ તેની જીંદગીમાં બદલાવ આવ્યો. એક સ્ટેટના કોચે કહ્યું કે દોડમાં મહેનત કર. ત્યાર બાદ તેણે સ્ટેટ અને નેશનલ લેવલની દોડમાં ભાગ લીધો. સરિતા ગાયવાડ અને તેનું પરિવાર એક નાના ઝુંપડા જેવા જ ઘરમાં રહે છે અને તેમાં જ તેઓ ખુશ છે.