માર્કેટીંગ યાર્ડમા ખૂલ્લામાં પડેલી જણસી પલળી ગઈ :બાબરા યાર્ડમાં બે દિવસની રજા
અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશને ફરી સૌરાષ્ટ્રના ખેડુતોને પડયા પર પાટુ માર્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં બરફના કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો.માર્કેટીંગ યાર્ડમાં ખૂલ્લામાં રાખેલી કરોડો રૂપીયાની જણસી પલળી ગઈ છે. બાબરા યાર્ડમાં બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે.
બાબરા, ગોંડલ, ધ્રાંગધ્રા, અમરેલી, વિસાવદર, મોરબી, માળીયામિયાણા, મૂળી,ધારી, જસદણ સહિતના ગામોમાં ભારે ગાજવીજ, પવનના સુસવાટા અને બરફના કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો.
હળવદ
હળવદ પંથકમાં મોડી સાંજના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કરા સાથે વરસાદ પડ્યો હતો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો સાથે ખેડૂતો વરસાદના પગલે મુશ્કેલીમાં મુકાયા છે
ઓણ સાલ ચોમાસું પૂરું થવાનું નામ જ ન લેતું હોય તેમ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે હળવદમાં મોડી સાંજના કરા સાથે વરસાદ પડયો હતો જેને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે તો બીજી તરફ કમોસમી વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે
હળવદમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને તાલુકાના ટીકર,સાપકડા,સુરવદર,સરંભડા, પાંડાતીરથ,મીયાણી,ચૂંપણી, ખેતરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વધુ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
જસદણ
જસદણમાં બુધવારે ૨૦ મીનીટ વરસાદી ઝાપટું પડી જતા ખેડુતોની પોતાની મગફળી વેચવા લઈ યાર્ડમાં વેચવા આવેલ ખેડુતોની મગફળી પલળી જતા ખેડુતોને પડયા પર પાટુ લાગ્યું હોય એવો ઘાટ સર્જાયો છે. કારણ કે ખેડુતોનો વરસાદ લાંબા સમયથી પીછો છોડતો નથી એમાંય માલ લઈને યાર્ડમાં વેંચવા આવતા ત્યાં પણ મગફળી પલળી ગઈ હતી જસદણ યાર્ડમાં કરોડો રૂપીયાના ખર્ચે ઓકશન શેડ બનાવ્યો હોવા છતાં આજે સામાન્ય ઝાપટામાં મગફળી પલળી ગઈ હતી.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને અનેક ધરતીપુત્ર પાયમાલ થયા છે ધાંગધ્રા તાલુકામાં જ્યારે પપૈયાના ભાગ તૈયાર થવામાં છે ત્યારે આજે અચાનક જ વાવાઝોડું અને કમોસમી કરા નો વરસાદ વરસતા પપૈયાંના પાકમાં પાણી ભરાઈ ગયા છે અને વાજડી ના કારણે પપૈયાના ઉભેલા પાકનો સોથ વળી ગયો છે ત્યારે ખેડૂતો ઉપર કુદરત નો કાળો કેર વર્તાવ્યો છે ત્યારે અગાઉના માવઠાના કારણે ખેતરોમાં વાવેલા તમામ પ્રકારના પાકો ફેલ થયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ઉપર કુદરતી આફતના વાદળો ધરતીપુત્ર ઉપર વધી રહ્યા છે ત્યારે એક બાજુ ધરતી કુતરો અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ રહ્યું છે.