- સવારથી 22 તાલુકામાં મેઘ મહેર, સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ: ઉત્તર ગુજરાતના લાખણીમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ તેમજ મહેસાણા અને બેચરાજીમાં ચાર-ચાર ઇંચ વરસાદ, ચીખલી, દાંતીવાડામાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો: આજે પણ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ વરસ્યા બાદ મંગળવારે વરસાદે વિરામ રાખ્યો હતો અને વરાપ નિકળ્યો હતો. જેના કારણે ખેડૂતો ખુશ થઇ ગયા હતા. જો કે, તે પહેલા અમરેલી, જૂનાગઢ, દ્વારકા, મોરબી અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં 12 થી લઇ 22 ઇંચ જ્યારે દ્વારકામાં 12 ઇંચ જેટલો વરસાદ અને મોરબી, રાજકોટ, જામનગર પંથકમાં 7થી ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. જે બાદ આજેપણ હવે અમૂક વિસ્તારોમાં વાદળર્છાંયુ વાતાવરણ જ્યારે અમૂક વિસ્તારોમાં વરાપ નિકળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર સિવાય અન્ય 178 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના લાખાણીમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મહેસાણા અને બેચરાજીમાં ચાર ઇંચ તેમજ નવસારીમાં ચીખલી અને વાવ ગામે પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગઇકાલે રાત્રે અમદાવાદમાં પણ વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી અને મોરબી તેમજ સુરેન્દ્રનગરમાં 6 મીમીથી 10 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. આજે સવારથી 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું એકપણ ટીપું પડ્યું નથી. સવારથી નોંધાયેલા વરસાદમાં મહિસાગરના બાલાસિનોરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. અન્યત્ર માત્ર ઝાપટાં જ વરસ્યા હતા.
24 કલાક પૂર્વે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારને વરસાદે ધમરોળ્યા હતા. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં થઇ હતી. જૂનાગઢના વંથલીમાં બે દિવસમાં જ 24 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો તો વિસાવદરમાં 20 ઇંચ તેમજ જૂનાગઢ શહેરમાં 12થી લઇ 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે જૂનાગઢ, વંથલી, માણાવદર અને કેશોદ સહિતના પંથક જળમગ્ન થઇ ગયા હતા. અનેક ગામો અને હજ્જારો લોકોનો સંપર્ક કપાઇ ગયો હતો. નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર-ઠેર ધોવાઇ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જો કે, હવે વરાપ નીકળતા તે રસ્તાઓ બંધ થયા હતા તે પૂર્વત્ર ગઇકાલ સાંજથી ફરી શરૂ થયા છે. જો કે, હજુ ખેડ પંથકની હાલત એટલી હદે કફોડી થઇ છે કે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો છે. ચારેય તરફ ખેતરો પાણીમાં તરબોળ થયા છે. જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે ખેડના પીપલાળા ગામમાં કમરસમા પાણી ભરાયા હતા. પીપલાળા ગામમાં એક મહિલાનું અવસાન થતા ગામ લોકો પૂરના પાણીમાંથી મહિલાની અંતિમક્રિયા માટે અર્થી લઇને પસાર થતા જોવા મળ્યા હતા. અંતિમયાત્રા માટે પણ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢના બામણસા અને મતિયાણા ગામોમાં નદીના પાણી ઘૂસ્યા હતા. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા હતા. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા હતા. હજુ રાજ્યભરમાં આગામી તા.5 જુલાઇથી 12 જુલાઇ દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદની વકી છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતને ધમરોળતા મેઘરાજા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા પછી મેઘરાજાએ સુકાન બદલ્યું હોય તેમ ઉત્તર ગુજરાત પર સાંબેલાધાર વરસીને સુક્કા પ્રદેશમાં જળ બંબાકારની સ્થિતિ સર્જી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આભ ફાટ્યું હોય તેમ 11 ઇંચ વરસાદ થતા જનજીવન પર ભારે અસર પડી છે. મહેસાણા અને બેચરાજીમાં ચાર-ચાર ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં વરસાદી કારણથી 6 વ્યક્તિઓના મોત થયા છે. પાટણના હારીજ પાસેના નાણા ગામે વીજ કરંટ લાગતા સાસુ-વહુના મોત થયા હતા. અંજારના તળાવમાંથી યુવાનની લાશ મળી હતી. અંતરજાળમાં વિજળી પડતાં યુવકનું મોત થયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ ઘરા ખરા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યાની વિગતો સામે આવી છે.
એનડીઆરએફની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ, પાંચ ટીમો રિઝર્વ રખાઇ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોંચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એનડીઆરએફના અધિકારી દ્વારા જણાવાયું હતું કે ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે એનડીઆરએફની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે તથા પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે તેમજ એસડીઆરએફની જરૂરિયાત જણાતા જે-તે સ્થળોએ ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે. સમગ્ર ટીમો જિલ્લા વહિવટી તંત્રના આદેશ અનુસાર બચાવ કામગીરી કરી રહ્યા છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં 29 ટકા જેટલું વાવેતર થઇ ગયું છે તેમજ વરસાદના કારણે રાજ્યમાં પાકમાં કોઇપણ નુકશાનની ભીતી નથી. રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું હતું.
5 થી 12 જુલાઇ દરમિયાન રાજ્યભરમાં અતિભારે વરસાદની વકી
ગુજરાતમાં હાલ શ્રીકાર વરસાદ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે લોકોને ગરમી અને અસહ્ય બફારાથી છૂટકારો મળ્યો છે. 5 થી 12 જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા પણ છે. આગામી દિવસો દરમિયાન આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની વકી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સરર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને વિવિધ ભાગોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, નર્મદા, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં યલો એલર્ટ જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.