રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ૨૦,૦૦૦થી વધુ ગુણીઓ પાણીમાં પલળી
રાજકોટ, ગોંડલ, લોધીકા અને કોટડાસાંગાણીમાં ગઈકાલે ઉકળાટ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો જેનાં કારણે ખેડુતોને વધુ એક વખત મોટુ નુકસાન થવા પામ્યું છે. જયારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રાખવામાં આવેલી મગફળીની ૨૦,૦૦૦થી વધુ ગુણીઓ પાણીમાં પલળી જવાથી ખેડુતોને મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.
ગઈકાલે રાતનાં સમયે રાજકોટનાં મોટાભાગનાં વિસ્તારમાં ઉપરાંત ગોંડલ, લોધીકા, કોટડાસાંગાણી અને બાબરા સહિતનાં ગામોમાં કમોસમી વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદનાં કારણે માર્કેટીંગ યાર્ડમાં કરોડો રૂપિયાનો માલ પલળી ગયો હતો. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હરાજી શરૂ થતા મગફળીની ૬૫,૦૦૦થી વધુ ગુણીની આવક થઈ હતી જેની ગઈકાલે હરાજી કરાઈ હતી જેમાં ૨૦,૦૦૦ ગુણીનું વેચાણ થવા પામ્યું હતું.
બીજી ૪૦,૦૦૦ જેટલી ગુણી પડતર પડી હતી તેનાં પર ગઈકાલે કમોસમી વરસાદ પડતા ૨૦ થી ૨૨ હજાર જેટલી મગફળીની ગુણી પલળી જવા પામી હતી જેનાથી અંદાજે ૩.૫ થી ૪ કરોડ જેટલું નુકસાન થવા પામ્યું છે. આ મોટુ નુકસાન ખેડુતોને જ ભોગવવાનો વારો આવ્યો છે. માર્કેટીંગ યાર્ડમાં શેડની વ્યવસ્થા ન હોવાથી દર વખતે ખેડુતોને વરસાદ દરમિયાન નુકસાન વેઠવું પડતું હોય છે. ગઈકાલે વાહનમાંથી નીચે ઉતારવામાં આવેલો માલ પલળી જવા પામ્યો હતો જયારે જે માલ ગાડીઓમાં લોડ કરી દેવામાં આવ્યો હતો તે માલ સુરક્ષિત રહ્યો હતો. આમ વધુ એક વખત રાજકોટ જિલ્લામાં માવઠાનાં કારણે ખેડુતોને ફટકો પડયો છે.