રાજકોટ ન્યૂઝ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો:
બાલાસિનોરમાં સવા ઈંચ, ગળતેશ્વરમાં પોણો ઈંચ અને લુણાવાડામાં પોણો ઈંચ, મોરવા-હડફમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતાવરણ
અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્કયુલેશનનાં કારણે ગુજરાતનાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ કમોસમી વરસાદને કારણે ઠંડીનો પારો બે થી ત્રણ ડીગ્રી વધવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બાલાસિનોરમાં સવા ઈંચ, ગળતેશ્વરમાં પોણો ઈંચ અને લુણાવાડામાં પોણો ઈંચ, મોરવા-હડફમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વિજયનગરમાં અડધો ઈંચ, ઠાસરામાં અડધો ઈંચ અને કડાણા, વિરપુર, ખાંભામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કપડવંજ, ખાનપુર, સંતરામપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કાલોલ, માંગરોળ, માલપુર, ખેડબ્રહ્મા, ફતેપુરા, સાંતેજ, સંજેલી, મેઘરજ, ઈડર, મહુધામાં કમોસમી વરસાદવરસ્યો છે. ત્યારે સર્કયુલેશનનાં કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીકરી છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. અરવલ્લી, ખેડામાં, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે, આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 સળ/વ ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે.
આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે. તો અમરેલી, જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હજી 2 દિવસ સુધી આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠું આવશે. તેનાથી બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે. પવન ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે.
નલિયાનું 16.4 જયારે રાજકોટનું 18.9 ડિગ્રી તાપમાન
રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. નલિયામાં 16.4, રાજકોટમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 18.9, ભુજમાં 19.2 ડિગ્રી અને અમરેલીમાં 20.4, ગાંધીનગરમાં 20.6 ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં 20.8, અમદાવાદામાં 21.4 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 23.4, સુરતમાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.