રાજ્યમાં જયારે આગામી વિધાનસભાની ચુટણીને લઇને માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ઝારખંડ અને પંશ્ચિમ બંગાળમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. રાજ્યના અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવી ગયો છે. શામળાજી, મોડાસા માલપુર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાદળ છાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે સુરત જિલ્લામાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.
સુરતના માંગરોળ, ઓલપાડ, માંડવી, ઉમરપાડા સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરત જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના ઉભા પાકને લઇને નુકસાનની ભીતિ થઇ છે. શેરડીના રોપણીમાં વિલંબ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જોકે હાલ થોડા સમયથી અતિશય ઉકળાટના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને રાહત મળી છે.