ધો.૧૦ અને ૧૨માં શાળા કક્ષાએ પ્રથમ આવેલા ૩ છાત્રોનું કરાયું સન્માન અલગ-અલગ હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા આજે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે સપ્તરંગી-૨૦૧૯ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધો.૧૦ અને ધો.૧૨માં શાળાકક્ષાએ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અલગ-અલગ હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી અગ્રણીઓ અને ઉપસ્થિત લોકોનાં મન મોહી લીધા હતા.
સપ્તરંગી-૨૦૧૯ કાર્યક્રમ સંદર્ભે મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા અલગ-અલગ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચલાવવામાં આવે છે. વાર્ષિક ઉત્સવ દરમિયાન આજે સપ્તરંગી કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભ અનેક બાળકોએ લીધો હતો. બોર્ડમાં અભ્યાસ કરતા અને સફળ થયેલા છાત્રોએ જેઓ ૯૦ ટકા માર્કસ સાથે ઉર્તિણ થયા છે તેઓને ઈનામ આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક નવો જ અભિગમ શરૂ કર્યો છે જેમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત વિદ્યાર્થીઓને વર્કબુક આપી પાયાથી તૈયાર કરવામાં આવે છે અને તેઓમાં ઉત્સાહનો નવો જ સંચાર કરવામાં આવે છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, સપ્તરંગી કાર્યક્રમમાં શાળા કક્ષાએ પ્રથમ ૩ ક્રમાંકિત બાળકોનું સન્માન કરવામાં આવતા તેઓને પ્રોત્સાહન મળશે. આ કાર્યક્રમ માટે હું મહાપાલિકા અને વિદ્યાર્થીઓને સફળતા પાઠવું છું. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીઓએ પોતાનાં જીવનમાં ઈચ્છા મુજબ આગળ વધવું જોઈએ. વિદ્યાર્થીઓનું મન જે લાઈનમાં આગળ જવા ઈચ્છતું હોય તે લાઈનમાં તેઓએ આગળ વધવું જોઈએ પછી ભલે તેમાં એક વર્ષ લાગે કે ચાર વર્ષ પરંતુ જે મનગમતું કાર્ય છે તેને વળગી રહેવું જોઈએ. કામ નાનું-મોટું કયારેય હોતુ નથી તેને શ્રેષ્ઠ બનાવવા માટે સતત પ્રયત્નો કરવા જોઈએ. તેઓએ મહાપાલિકાની હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
માધ્યમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અંજનાબેન મોરજરીયાએ જણાવ્યું હતું કે, લોકોનાં મનમાં એક માનસિકતા છે કે મહાપાલિકાની સ્કુલમાં સારો અભ્યાસ પ્રાપ્ત થતો નથી પરંતુ બોર્ડની પરીક્ષામાં ઉર્તિણ થયેલા છાત્રોએ આ ક્રમ તોડી નાખ્યો છે. સરકારી શાળામાં અભ્યાસ કરી દેશભરમાં સૌથી નાની વયે આઈપીએસ અધિકારી બનનાર હસને આ દાખલો આપ્યો છે. કોર્પોરેશનની સ્કુલમાં ભણીને પણ વિદ્યાર્થીઓ ચોકકસ મુકામ સુધી પહોંચી શકે છે. સફળ થયેલા વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું.
આ કાર્યક્રમમાં આજે શેઠ હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓએ દેશભકિતનાં થીમ પર ડાન્સ, એકનાથ રાનડે વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત રાસ, વિર સાવરકર વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ ફયુઝન ડાન્સ, મુરલીધર વિદ્યાલયનાં છાત્રોએ ઢોલીડો પ્રાચીન રાસ, સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીઓએ માતૃપ્રેમ દર્શાવતો જનનીની જોડ સખી નહીં જડે રાસ, મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલયની પ્રજ્ઞા ચક્ષુ બહેનો દ્વારા રાજસ્થાની ઘુમ્મર રાસ તથા વાગ્યો ઢોલ રાસ અને બોલે ચુડીયા ડાન્સ રજુ કર્યો હતો. સરોજીની નાયડુ હાઈસ્કુલની વિદ્યાર્થીઓએ કાના સોજા જરા જયારે શેઠ હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓએ વંદે માતરમ પર પીરામીડની રચના જેવી અલગ-અલગ કૃતિઓ રજુ કરી ઉપસ્થિત અગ્રણીઓ અને લોકોનાં મન મોહી લીધા હતા. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન જયમીન ઠાકર સહિતનાં કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.