ઈન્ડિયન આઈડોલના સુપ્રસિધ્ધ સિંગરો રાજકોટવાસીઓને ડોલાવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1 લી મે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નિમિતે કવિ રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે રિયાલિટી મ્યુઝીકલ શો ઈન્ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો દ્વારા સપ્તરંગી સાંજનો કાર્યક્રમ યોજાશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એ જણાવ્યું છે
મહાપાલિકા દ્વારા દર વર્ષે 1 લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્યાન કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે કોઈપણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાયા ન હતા. છેલ્લા કેટલાક સમયથી કોવિડની અસર નહિવત બની જતા, ગત ધૂળેટીના પર્વ પ્રસંગે હિન્દી હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવેલ. એ જ રીતે આગામી 1 લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે તા.01/05/2022, રવિવારના રોજ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે સપ્તરંગી સાંજનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં રિયાલિટી મ્યુઝીકલ શો ઈન્ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટ વગેરે દ્વારા ગીતોની રમઝટ બોલાવશે.
સોની ચેનલ પર ઈન્ડીયન આઈડોલની ગત સિઝનમાં જેમણે ગીત સંગીતના ચાહકોને પોતાની લાજવાબ ગાયકી વડે મંત્રમુગ્ધ કરનારા ઉપરોક્ત સિંગરોએ સૌ દર્શકોની અપાર લોક ચાહના મેળવી હતી. રાજકોટની જનતાને આ સિંગરોના લાઈવ પર્ફોમન્સ માણવાની તક મળી રહી છે.