રાજ્યભરમાં પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ
જાણે ચોમાસુ બેસી ગયુ હોય તેવો માહોલ અમદાવાદના અમૂક વિસ્તારોમાં ચાર-ચાર ઇંચ પાણી પડ્યુ, વૃક્ષો ધરાશાયી: ભાવનગરમાં પણ કરા પડ્યા: આજે પણ પાંચ જિલ્લામાં ખાબકશે મેઘરાજા
હવામાનને લગતી આગાહી આપતી વિવિધ એજન્સીઓ દ્વારા ભલે એવું કહેવામાં આવતુ હોય કે ગુજરાતમાં આ વર્ષ ચોમાસુ સામાન્યથી પણ નબળુ રહેશે પરંતુ મેઘરાજાએ પ્રિ-મોનસુન એક્ટિવીટીમાં જ જે રિતે દસ્તક દીધી છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષ ચોમાસુ ટનાટન રહેશે. જેઠ માસમાં ભીમ અગિયારસ પૂર્વ જ રાજ્યમાં ગઇકાલે અષાઢી માહોલ જામ્યો હતો. રાજ્યના 91 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં સાંબેલાધારે કરા સાથે ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં સાંબેલાધારે કરા સાથે ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. આખુ અમદાવાદ પાણી-પાણી થઇ ગયુ હતું. 20 થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની હતી. જે ભારે વરસાદના કારણે રદ્ કરવાની ફરજ પડી હતી. ચોમાસામાં ભારે વરસાદ વરસતા જે રિતે રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાતા હોય તેવી રિતે પાણી ભરાયા હતા.
રાજસ્થાનમાં સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયુ છે. જેની અસર તળે શનિવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગઇકાલે રવિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના ડરામણા કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા ભર ચોમાસે વાતાવરણ ટાઢુ બોળ થઇ ગયુ હતું. વાસણા બેરેજ ડેમના બે દરવાજા ખોલવાની જરૂરિયાત ઉભી થવા પામી હતી. ભારે વરસાદના કારણે ગઇકાલે અમદાવાદમાં રમાનારી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની ફાઇનલ મેચ રદ્ કરવાની ફરજ પડી હતી. મેદાનમાં વરસાદના પાણી ભરાય ગયા હતા.
ભાવનગર પંથકમાં પણ જોરદાર વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. રાજકોટમાં ગઇકાલે મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. શહેરમાં 16 થી 18 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 91 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં સૌથી વધુ 65 મીમી, દાંતામાં 55 મીમી, અમદાવાદ શહેરમાં 54 મીમી (શહેરના અમૂક વિસ્તારોમાં ચાર ઇંચ વરસાદ પડવાનું પણ નોંધાયુ છે.) વડગામમાં 52 મીમી ચાણસ્મામાં 50 મીમી, જોટાનામાં 39 મીમી, બાવળા 38 મીમી, કલોલમાં 38 મીમી, વડાલીમાં 37 મીમી, સિંહોરમાં 37 મીમી, નડીયાદ અને કડીમાં 32-32 મીમી, પેટલાદમાં 28 મીમી, પાલનપુરમાં 26 મીમી, માતર, પાટણમાં 23-23 મીમી, સાગબારા, ભિલોડા, ઉમરેઠ, સોજીત્રા, દાંતીવાડામાં એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત વલ્લભીપુર, ધોળકા, મહેસાણા, આણંદ, તારાપુર, અમીરગઢ, ઇડર, વિજયનગર, હાનૂજ, સોતલસાણા, દશક્રોઇ, કઠલાલ, ખેડા, મહેમદાવાદ, ગાંધીનગર, સિધ્ધપુર, વડોદરા સહિત રાજ્યના 91 તાલૂકાઓમાં વરસાદ પડ્યો હતો. દરમિયાન આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
ક્યાં શહેરમાં કેટલો વરસાદ
- બેચરાજી – 65 મીમી
- દાંતા – 55 મીમી
- અમદાવાદ – 54 મીમી
- વડગામ – 52 મીમી
- ચાણસ્મા – 50 મીમી
- જોટાના – 39 મીમી
- બાવળા – 38 મીમી
- કલોલ – 38 મીમી
- વડાળી – 37 મીમી
- સિંહોર – 36 મીમી
- નડિયાદ – 32 મીમી
- કડી – 32 મીમી
- પેટલાદ – 28 મીમી
- પાલનપુર – 26 મીમી
- માતર – 23 મીમી
- પાટણ – 23 મીમી
- સાગબારા – 20 મીમી
- ભીલોડા – 19 મીમી
ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદે અમદાવાદને ધમરોળ્યું
વાસણા બેરેજ ડેમના બે દરવાજા ખોલી પાણી નદીમાં છોડાયુ: 20 સ્થળે વૃક્ષો ધરાશાયી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદને ગઇકાલે મેઘરાજાએ રિતસર ધમરોળી નાંખ્યુ હતું. સમી સાંજે ત્રણ કલાકમાં શહેરમાં સાંબેલાધારે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. શહેર આખુ પાણી-પાણી થઇ ગયુ હતું. ભારે વરસાદના કારણે અમદાવાદમાં રવિવારે રમાનારી આઇપીએલની ફાઇનલ રદ્ કરવાની ફરજ પડી હતી. જે મેચ આજે રમાશે. શહેરમાં ત્રણ કલાકમાં ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને બરફના કરા સાથે ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદના કારણે વાસણા બેરેજ ડેમના બે દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. ચોમાસાની સિઝનમાં જે રિતે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તેવી રિતે પાણી ભરાયા હતા. લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત ત્રણ કલાક સુધી વરસાદ વરસતા અફરા-તફરી મચી જવા પામી હતી. વાતાવરણમાં ભારે ટાઢક પ્રસરી જવા પામી હતી.
આજે રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં કડાકા-ભડાકા સાથે વરસાદની સંભાવના
બનાસકાંઠા, સાંબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી
દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 91 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજકોટ, અમરેલી અને ભાવનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે મંગળવારે બનાસકાંઠા અને સાબરકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બુધવારથી વાતાવરણ ચોખ્ખુ થઇ જશે. ફરી ગરમીનું જોર વધશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવીટી શરૂ થઇ જવા પામી છે. ચોમાસુ સામાન્ય રહેશે. તેવી આગાહી આપવામાં આવી છે. દરમિયાન જૂન માસના બીજા પખવાડીયામાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી સંભાવના છે.