બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેશર કાલ સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થઇ વધુ મજબૂત બનશે, અન્ય બે સિસ્ટમો પણ એક્ટિવ, રાજ્યમાં 10 થી 12 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હિંમતનગરમાં સવારે ચાર ઈંચ, કલ્યાણપુરમાં બે ઈંચ વરસાદ, ગુજરાતમાં આજથી વરસાદનું જોશ વધશે. આગામી બુધવારથી શુક્રવાર સુધી રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થયું છે. દરમિયાન આવતીકાલ સાંજ સુધીમાં આ સિસ્ટમ વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તીત થશે અને ઉત્તર-પશ્ર્ચિમ દિશામાં આગળ વધશે. જેની અસર તળે આગામી 10 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
આ ઉપરાંત હાલ ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રથી કેરેલા સુધી વિસ્તરેલો છે અને અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન પણ સર્જાયુ છે. જેની અસર તળે રાજ્યમાં સતત વરસાદ ચાલુ જ રહેશે. આજથી વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વેલમાર્ક લો-પ્રેશર આગામી 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થવાની સંભાવના રહેલી છે. તેની અસર આવતીકાલ સુધીમાં ગુજરાતમાં વર્તાવા લાગશે અને કાલથી વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થશે.
જુલાઇ માસમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થવાના કારણે મોનસૂન બ્રેકનો પિરિયડ આવ્યો જ ન હતો અને સતત વરસાદ પડ્યો હતો. રાજ્યમાં જુલાઇ માસમાં 531.47 મીમી, વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઓગસ્ટ માસના પ્રથમ એક સપ્તાહમાં જ 52.18 મીમી. વરસાદ પડી ગયો છે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉ જ આપવામાં આવી છે.
આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. દરમિયાન બે દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે. બુધવારથી શુક્રવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
નર્મદા ડેમની સપાટી 132.29 મીટરે પહોંચી
નર્મદા ડેમની સપાટી 132.29 મીટર પર પહોંચી છે પણ ડેમ હજી તેની 138.68 મીટરની પુર્ણ સપાટીથી 6 મીટર જેટલો દુર છે. બીજી તરફ ઉપરવાસમાંથી આવતાં પાણીના જથ્થાની સામે પાણીની જાવક વધારે હોવાથી ડેમની સપાટીમાં દર બે કલાકે એક સેમીનો ઘટાડો થઇ રહયો છે.મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીનો આવરો થતાં નર્મદા ડેમની સપાટી ઝડપથી વધીને 132.29 મીટર સુધી પહોંચી છે. હવે ઉપરવાસમાંથી પાણીનો આવરો એકદમ ઘટી ગયો છે. હાલ ઉપરવાસમાંથી 19 હજાર કયુસેક પાણી આવી રહયું છે જેની સામે 49 હજાર કયુસેક પાણીની જાવક થઇ રહી છે. નર્મદા ડેમના રીવર બેડ પાવર હાઉસના 6 તથા કેનાલ હેડ પાવર હાઉસના એક યુનિટને વીજ ઉત્પાદન માટે ચાલુ રાખવામાં આવ્યાં છે. પાણીની આવક સામે જાવક વધારે હોવાથી ડેમની સપાટીમાં ઘટાડો થઇ રહયો છે. દર બે કલાકે સપાટીમાં એક સેમીનો ઘટાડો નોંધાય રહયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ત્યાંના ડેમ છલોછલ થઇ ગયાં હતાં. હાલ સપાટી 132.29 મીટર ઇન ફલો 19,505 કયુસેક આઉટ ફલો 49,674 કયુસેક છે.
રાજયના 100 તાલુકાઓમાં વરસાદ લાઠી, બાબરા, વાંકાનેરમાં અઢી ઇંચ
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 100 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ જેવો માહોલ રહ્યો હતો. આજે સવારથી પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં અને લાઠી તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. વાંકાનેરમાં પણ અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. જસદણમાં પણ બે ઇંચ જેવો વરસાદ પડયો હતો ચોટીલામાં બે ઇંચ, માંગરોળમાં બે ઇંચ, ગારીયાધારમા બે ઇંચ, વરસાદ વરસી ગયો છે. પાલીતાણામાં પોણા બે ઇંચ, મેંદરડામાં પોણા બે ઇંચ, ખાંભામાં સવા ઇંચ, વલ્લભીપુરમા સવા ઇંચ, દ્વારકામાં એક ઇંચ, લોધીકામાં એક ઇંચ, લીંબડીમાં એક ઇંચ, લખતપતમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો છે.
રાજયમાં સિઝનનો 76.21 ટકા વરસાદ
રાજયમાં આજ સુધીમાં સિઝનનો કુલ 76.21 વરસાદ વરસી ગયો છે. કચ્છમાં સૌથી વધુ 125.60 ટકા, ઉતર ગુજરાતમા 62.59 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 65.68 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જીલ્લામાં 58.19 ટકા રાજકોટ જીલ્લામાં 63.59 ટકા, મોરબી જીલ્લામાં 69.06 ટકા, જામનગર જીલ્લામાં 68.16 ટકા, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 86.99 ટકા, પોરબંદર જીલ્લામાં 88.71 ટકા, જુનાગઢ જીલ્લામાં 80.58 ટકા, ગીર સોમનાથ જીલ્લામાં 89.92 ટકા, અમરેલી જીલ્લામાં 65.92 ટકા, ભાવનગર જીલ્લામાં 58.87 ટકા અને બોટાદ જીલ્લામાં 65.23 ટકા વરસાદ પડયો છે.
ભાદર અને ન્યારી-1 સહિત 19 જળાશયોમાં પાણીની આવક
સૌરાષ્ટ્રમાં રવિવારે મેઘરાજાઅ મહેર ઉતારતા જળાશયોમાં નવા નીરની આવક થવા પામી હતી. ભાદર અને ન્યારી-1 ડેમ સહીત 19 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ભાદર ડેમમાં 0.10 ફુટ, મોજ ડેમમાં 0.79 ફુટ, વેણુ-ર ડેમમાં 0.16 ફુટ, સોડવદરમાં 0.49 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફુટ, ફાડદંગ બેટીમાં 2.46 ફુટ, મચ્છુ-1 ડેમમાં 0.56 ફુટ, મચ્છુ-ર ડેમમાં 0.82 ફુટ, ડેમી-1 ડેમમાં 0.30 ફુટ, ડેમી-ર ડેમમા: 0.66 ફુટ, ઘોડાધ્રોઇ ડેમમાં 1.15 ફુટ, બ્રાહ્મણી-ર ડેમમાં 0.49 ફુટ અને ડેમી-3 ડેમમાં 0.33 ફુટ પાણીની આવક થવા પામી છે. જામનગર જીલ્લામાં ઉડ-1 ડેમમાં 0.62 ફુટ, ઉંડ-ર ડેમમાં ફુલઝર (કોબા)માં 0.43 ફુટ, દ્વારકા જીલ્લાના વર્તુ-1 ડેમમાં 0.39 ફુટ, સિંધણી ડેમમાં 1.35 ફુટ અને ત્રિવેણ ઠાંગામાં 1.80 ફુટ પાણીની આવક થવા પામી છે.