- આઝાદ ચોકમાં 10 ફૂટ પાણી ભરાયા છે, નાના વેપારીઓને પારાવાર નુકશાની: ગોહિલ
ભારે વરસાદને કારણે કચ્છમાં થયેલ પારાવાર નુકસાની અને ઉદભવેલ પરિસ્થિતિ અંગે રૂબરૂ મુલાકાત દરમ્યાન અનેક અસરગ્રસ્ત પરિવારો ખાસ કરીને ખેડૂતો, નાના વેપારીઓ, સ્થાનિક નાગરિકોની વ્યથા સાંભળ્યા બાદ ભૂજ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કચ્છમાં થયેલ તારાજી માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર, તંત્રની નિષ્ક્રિયતા જવાબદાર છે. ઠેરઠેર કચરો, કચરાના નિકાલમાં નિષ્કાળજી જેના લીધે ઠેરઠેર વરસાદી પાણી ભરાયા. આ માનવસર્જિત આપતી છે. આઝાદ ચોકમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા. નાના વેપારીઓને મોટા પાયે નુકસાની થઈ છે. લાકડા બજારમાં મોટી નુકસાની થઈ છે. રાજા શાહી વખતના નાળાની સમયસર નગરપાલિકાએ સાફ-સફાઈ કરી હોત તો નુકસાની આ અટકાવી શકાત. સફાઈ વેરો મોટા પાયે ઊઘરાવાય છે પણ ઠેર ઠેર ગંદકીને લીધે રોગચાળાનો ભય છે. પાણીના નિકાલ માટે તળાવથી ઓગન સુધી નાળું મોટું કરવું જરૂરી છે. નલીયાથી લાલા જેવો સુધીના રસ્તા પર રોડ બનાવાયો પણ, પાણીના નિકાલના નાળા ના બનાવવાથી રોડ તોડી પાણીનો નિકાલ કરવો પડ્યો આડેધડ નિયમ વિરૂધ્ધ પવનચક્કીઓ માટેના જવા-આવવાના-રસ્તાઓ બનાવીને પાણીને આડસ બનાવી દીધી છે. કંપનીઓએ મનફાવે તે રીતે રસ્તાઓ ઉપર આડસ બનાવી દીધેલ હોવાથી પાણીનો નિકાલ ન થવાથી પણ સ્થાનિક ગ્રામજનોને પારાવાર નુકસાન થયું છે. અબડાસાના ટીડીઓ એમ જણાવે છે કે, સીમેન્ટ ના મકાનમાં રહેતા હશે જેઓને નુકસાન થયુ હશે તેઓને જ સહાય મળશે. તો પછી કાચા મકાનમાં રહેતા પરિવારોને થયેલ નુકસાન અંગે સહાય કેમ નહી ? સરકારે ભેદભાવ વગર અસરગ્રસ્તોને સહાય કરવી જોઈએ. જેમને પારાવાર નુકશાન થયુ છે તેઓને સરકાર સહાય માટે ઉદાર મન રાખીને સહાય ચુકવે તો જ ખેડૂતો અને ખેતીને બચાવી શકાશે. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાઓમાં મોટા પાયે પશુધનના મોત થયા છે, આજદિન સુધી સર્વે અંગે તંત્ર કોઈ જવાબ આપતુ નથી. તંત્ર સંવેદનશીલ બને તે જરૂરી છે.
કચ્છ માંડવી વિસ્તારમાં ઉભા પાકોનું જબરદસ્ત ધોવાણ થયેલ છે, દાડમ, કેળા, કપાસ, તલ, એરાડા, ઘઉં વગેરે જેવા પાકોમાં નુકશાન થયેલ છે. આજદિન સુધી સરકાર દ્વારા કોઈ ખેડુતોના હિતમાં વિશેષ રાહત પેકેજ અથવા કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. સરકાર દ્વારા કોઈ પણ સર્વે કે પાક ધોવાણની વિગતો વિશે પણ સરકારે દરકાર લીધેલ નથી સ્થાનિક લોકો તથા સામાન્ય વેપારી વર્ગ ખેડુતોની વ્યથા સાંભળ્યા બાદ અસરગ્રસ્તોની તમામ સમસ્યાઓ અંગે ન્યાય માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિસ્તુત રજુઆત કરવામાં આવશે.
કચ્છ જીલ્લાના બે દિવસ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત સમયે કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા વી.કે. હુંબલ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો, નગર સેવકો તેમજ ગામના સરપંચો અને વિવિધ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી ભારે નુકસાનીનો ચિત્તાર આપ્યો હતો.