૧૫ થી ૨૦ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં
સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદના સંજોગો
દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા અપરએર સાયકલોનીક સરકયુલેશન હાલ દરિયાઈ સપાટીથી ૨.૧ થી ૩.૬ કિલોમીટરની ઉંચાઈ પર હોય. સૌરાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૩ અને ૧૪ જુલાઈના રોજ પણ રાજયમાં છુટા-છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ૧૫ થી ૨૦ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવા સંજોગો રહેલા છે. આજે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ પડશે. અમુક વિસ્તારોમાં ૨ થી ૩ ઈંચ જેટલો પણ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રમાં મોસમનો ૨૮.૩૭ ટકા વરસાદ
ચાલુ સાલ નૈઋયના ચોમાસામાં આજસુધીમાં સીઝનનો ૨૮.૩૭ ટકા વરસાદ પડી ગયો છે. ૧૯૮૭ થી ૨૦૧૬ સુધીના વર્ષમાં સૌરાષ્ટ્રમાં સરેરાશ ૬૫૯ મીમી વરસાદ પડે છે. જેની સામે આજ સુધીમાં સરેરાશ ૧૮૨ મીમી વરસાદ વરસી ગયો છે. કચ્છમાં ૨૦.૨૦ ટકા, ઉતર ગુજરાતમાં ૨૯.૫૯ ટકા, પૂર્વ-મધ્યમ ગુજરાતમાં ૨૦.૩૮ ટકા અને સાઉથ ગુજરાતમાં ૨૬.૯૩ ટકા વરસાદ પડયો છે. મોસમનો કુલ ૨૬.૯૩ ટકા વરસાદ નોંધાયો છે.
આજી-૧, આજી-૨, સહિતના જળાશયોમાં નવા નીરની આવક
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં પડી રહેલા મધ્યમ વરસાદના કારણે જળાશયોમાં ધીમીધારે નવા નીરની આવક થઈ રહી છે. રાજકોટ સિંચાઈ વર્તુળ એકમ હસ્તક આવેલા રાજકોટ જિલ્લાના આજી-૧ ડેમમાં ૦.૪૯ ફુટ, આજી-૨માં ૧.૩૧ ફુટ, આજી-૩માં ૦.૩૦ ફુટ, ૦.૩૩ ફુટ, મોરબી જિલ્લાના મચ્છુ-૩ ડેમમાં ૦.૧૬ ફુટ, જામનગર જિલ્લાના ઉંડ-૧ ડેમમાં ૧.૩૧ ફુટ પાણીની આવક થવા પામી છે.