બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો-પ્રેશર વેલમાર્કમાં પરિવર્તીત થઈ સૌરાષ્ટ્ર તરફ સરકયુ: ભાવનગર, અમરેલી, બોટાદ અને રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ
રાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણ એક રસ, ગમે ત્યારે મેઘરાજા તુટી પડે તેવા આસાર: કાલે પણ ધોધમારની આગાહી
ભાવનગરના વલ્લભીપુર અને સિહોરમાં સવારે બે કલાકમાં સાંબેલાધારે અઢી ઈંચ વરસાદ
અબતક,રાજકોટ
ઉતર-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થયાબાદ સૌરાષ્ટ્ર તરફ સરકયું છે.જેની અસર તળે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. વાતાવરણ એક રસ હોય હોય મેઘરાજા ગમે ત્યારે મનમૂકીની વરસી પડે તેવો માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપૂર અને સિંહોરમાં સવારે બે કલાકમાં સાંબેલાધારે અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર હવે વેલમાર્કમાં પરિવર્તીત થઈ વધુ મજબુત બન્યું છે.જેની અસર તળે આગામી ચાર દિવસ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા રહેલી છે. ગઈકાલ સાંજથી આ સિસ્ટમની અસર વર્તાવા લાગી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૬૩ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા હતા.
આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ અને દિવસમાં ભારે વરસાદ પડશે. આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં વરસાનું જોર યથાવત રહેશે. કાલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે જયારે રાજકોટ, ભાવનગર, બોટાદ જિલ્લામાં ભારે અને સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર અને મોરબી જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જે રીતની આગાહી આપવામાં આવી છે. તે રિતે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતુ. મધરાતથી આ વેલમાર્ક લો-પ્રેશર સૌરાષ્ટ્ર તરફ સરકવાના કારણે વરસાદ વરસવાનું શ થયું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬૩ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડામાં નવ ઈંચ વરસાદ પડયો હતો. સાગબારામાં છ ઈંચ, સુરતના પલાસણામાં પાંચ ઈંચ, સુરતમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. ઉમરપાડા, નવસારી, નેત્રાંગમાં ચાર ઈંચ, ચીમલી વાપી, જલાલપોર, વલસાડમાં સાડાત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં ગઈકાલથી શ થયેલી મેઘમહેર આજે પણ યથાવત રહેવા પામી છે. આજે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે ૬ થી ૧૦ સુધીના બે કલાકના સમય ગાળામાં ભાવનગર જિલ્લાના વલ્લભીપૂર, સિહોર, ઉમરાળામાં અઢીઈંચ, પાલીતાણામાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. અમરેલી જિલ્લામાં ધારીમાં પોણાબે ઈંચ, બોટાદના ગારીયાધારમાં દોઢ ઈંચ, લીલીયામાં એક ઈંચ, બોટાદ, જાફરાબાદ, વિસાવદર, અમરેલી, ગારીયાધાર, ગીરગઢડા સહિતના વિસ્તારોમાં અર્ધા ઈંચ વરસાદ પડયો હતો રાજયભરમાં ચોમાસુ ફરી સક્રિય થયું છે. મેઘરાજાએ જમાવટ કરી હોયતેમ સવારથી ૭૬ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. સવારથી ઝણમર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સવારથી કયાંય ધીંગીધારે તો કયાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આગામી ચાર દિવસ રાજયમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘકૃપા વરસતી રહેશે. દરમિયાન આજે વહેલી સવારથી સોરઠ પંથકમાં મેઘરાજાએ મુકામ કરી લીધું છે અને સવારના ૧૦ વાગ્યા સુધીમાં કેશોદમાં ૧૫ મી.મી., જૂનાગઢમાં ૧૮ મી.મી., ભેસાણમાં ૧૪ મીમી., મેંદરડામાં ૧૬ મીમી., માંગરોળમાં ૧૬ મી.મી., માણાવદરમાં ૭ મી.મી., માળીયા હાટીનામાં ૧૭ મીમી., વંથલીમાં ૨૪ મીમી. અને વિસાવદરમાં ૨૬ મિ.મી વરસાદ નોંધાયો છે. દરમિયાન આ લખાય છે ત્યારે જૂનાગઢ શહેરમાં એકધારો ધીમી ધારે તો ક્યારેક મોટા ઝાપટા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો ઉપર પાણી ભરાયા છે.
આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર મેઘકૃપા વરસશે
આજે: જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જયારે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં ભારે જયારે સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડશે.
આવતીકાલે: જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે રાજકોટ, ભાવનગર, બોટાદ જિલ્લામાં ભારે જયાર સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ યથાવત રહેશે. જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે.
સપ્ટેમ્બરનાં એક સપ્તાહમાં ઓગષ્ટ કરતા વધુ વરસાદ
સમગ્ર સપ્ટેમ્બર માસમાં મેઘમહેર ચાલુ રહેશે તેવી હૈયા ટાઢક આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દરમિયાન સપ્ટેમ્બર માસના પ્રથમ એક સપ્તાહમાંજ સમગ્ર ઓગષ્ટ માસ કરતા વધુ વરસાદ વરસી ગયો છે. રાજયમાં જૂન માસમાં સરેરાશ ૧૨૦.૩૮ મીમી વરસાદ પડયો હતો.
જૂલાઈ માસમાં સ્થિતિ થોડી સુધરી હતી. અને સરેરાશ ૧૭૬.૭૦ મીમી વરસાદ પડયો હતો. ઓગષ્ટ માસ એકંદરે કોરો ધ્રાકોડ રહ્યો હતો. ઓગષ્ટમાં માત્ર ૬૫.૩૨ મીમી વરસાદ પડતા રાજયમાં દુષ્કાળના ડાકલા વાગવા માંડયા હતા જોકે સપ્ટેમ્બર માસના આરંભથી સુધારો થવા પામ્યો છે. ઓગષ્ટ આખા માસમા જેટલો વરસાદ વરસ્યો ન હતો તેનાથી વધુ વરસાદ સપ્ટેમ્બર માસના એક જ સપ્તાહમાં વરસી ગયો છે. ચાલુ માસમાં એક સપ્તાહમાંજ ૮૦.૯૦ મીમી વરસાદ વરસી ગયો છે. આમ રાજયમાં ચાલુ વર્ષ રાજયમાં સરેરાશ ૪૪૩.૩૧ મીમી વરસાદ પડયો છે. જે ટકાવારીની દ્રષ્ટીએ ૫૨.૭૮ ટકા જેવો થવા પામે છે.
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર ડેડીયાપાડામાં સાંબેલાધારે નવ ઈંચ ખાબકયો
સાગબારામાં છ ઈંચ, પલાસણામા પાંચ ઈંચ, ઉમરપાડા અને નવસારીમાં ચાર ઈંચ, સુરતમાં ૪॥ ઈંચ, નેત્રાંગ, ચિખલી, વાપી, જલાલપોરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
બંગાળની ખશડીમાં સર્જાયેલું લો-પ્રેશર વેલમાર્કમાં પરિવર્તીત થઈ વધુ મજબૂત બન્યું છે. જેની અસરના કારણે ગઈકાલે બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક અનરાધાર મેઘ મહેર વરસી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સાંબેલાધારે નવ ઈંચ વરસાદ વરસી ગયો હતો. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. આ ઉપરાંત સાગબારામાં પણ છ ઈંચ વરસાદ પડયો હતો. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૧૬૩ તાલુકાઓમાં વરસાદ પડયાનું નોંધાયું છે. સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ સરકતા સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા કૃપા વરસાવી રહી છે. દક્ષિણ ગુજરાતના ભચ જિલ્લાના એક ઈંચથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લામાં સવા ઈંચથી લઈ નવ ઈંચ સુધી વરસાદ પડયો હતો. તાપી જિલ્લામાં દોથી લઈ બે ઈંચ વરસાદ પડયો હતો. સુરત જિલ્લામાં એક ઈંચથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ પડયો હતો. નવસારી જિલ્લામાં દોઢ ઈંચથી લઈ ચાર ઈંચ વરસાદ પડયો હતો. વલસાડ જિલ્લામાં સવા ઈંચથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ પડયો હતો. જયારે ડાંગ જિલ્લામાં સવા ઈંચથી લઈ પોણા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ ગોંડલમાં એક ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં પોણા બે ઈંચ, ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એક ઈંચ અમરેલી જિલ્લાના રાજુલામાં એક ઈંચ, જયારે ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો હતો. ભાવનગર શહેરમા અઢી ઈંચ, ઘોઘામાં પોણા બે ઈંચ, મહુવામાં પોણા બે ઈંચ, પાલીતાણામાં એક ઈંચ, તળાજામાં અર્ધો ઈંચ વરસાદ પડયો હતો.
રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને પોરબંદરમાં NDRFની ટીમો સ્ટેન્ડ ટુ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનીઅ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૬૧,૮૭૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૪૫ ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૩,૧૦,૪૯૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ
શકિતના ૫૫.૭૦ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૯ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૧૨ જળાશય છે. એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને ૬ ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઈ છે. વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત વિભાગ, જી.એસ.આર.ટી.સી. તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.