શહેરમાં સિઝનનો 25॥ ઇંચ વરસાદ વરસી ગયો: બપોરે જોરદાર ઝાપટું પડતા રાજમાર્ગો પર પાણી વહેતા થયા
રાજકોટમાં ગઇકાલે રવિવારે સવારે અનરાધાર બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. આજે સવારમાં પણ શહેરમાં સુર્યનારાયણ ખીલ્યા હતા. સારો વરસાદ વરસી ગયા બાદ વરાપ નીકળ્યો હતો. જો કે, બપોરના સમયે ફરી જોરદાર ઝાપટું પડી જવાના કારણે રાજમાર્ગો પર પાણી વહેતા થઇ ગયા હતા. શહેરની જળ જરૂરિયાત સંતોષતા ત્રણેય જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે.
આજે સવાર સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 63 મીમી (સિઝનનો કુલ 639 મીમી), વેસ્ટ ઝોનમાં 62 મીમી (સિઝનનો કુલ 592 મીમી) જ્યારે ઇસ્ટ ઝોનમાં 33 મીમી (સિઝનનો કુલ 465 મીમી) વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. હવામાન વિભાગના રેકોર્ડ પર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 51 મીમી (સિઝનનો કુલ 482 મીમી) વરસાદ પડ્યો છે. શહેરમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 58.61 ટકા વરસાદ વરસી ગયો છે. ગત વર્ષે 38 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
આજે સવારથી ધુપ-ર્છાંવ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બપોર સુધી વરાપ રહ્યા બાદ અચાનક વરસાદનું જોરદાર ઝાપટું પડી જવાના કારણે રાજમાર્ગો પર ફરી પાણી વહેતા થઇ ગયા હતા. ગઇકાલે સવારના સમયે અનરાધાર બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી હતી. રોડ-રસ્તાને પણ ભારે નુકશાની થવા પામી છે.
સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્સથી મવડી સુધીનો રસ્તો અત્યંત ખરાબ
શહેરના નાનામવા રોડથી મવડી તરફ જવાના રોડ પર સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્સથી મવડી તરફનો રસ્તો અત્યંત બિસ્માર છે. અહિં વસવાટ કરતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આર્યલેન્ડ રેસિડેન્સીથી મવડી તરફ જતો રસ્તો ખૂબ જ ખરાબ છે. અહિં વરસાદ બંધ થઇ જાય ત્યાર પછી પણ કલાકો સુધી પાણી ઉતરવાના નામ લેતા નથી. રોડનું કામ પૂરૂં થવાનું નામ લેતું નથી. આ વિસ્તાર જાણે કોર્પોરેશનની હદમાં આવતો ન હોય તેવું લોકો મહેસૂસ કરી રહ્યા છે. પારાવાર ગંદકી ઉપરાંત બિસ્માર રસ્તાથી રાહદારીઓ પણ પરેશાન થઇ ગયા છે. આ વિસ્તારમાં 3 થી 4 નામાંકિત સ્કૂલો આવેલી છે. ચોમાસાની સિઝનમાં બાળકોને શાળાએ પણ મૂકવા જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આજી નદી કાંઠા વિસ્તારમાં 31 લોકોનું રેસ્કયુ
વોર્ડ નં.16નો બેઠાપુલનો રસ્તો બંધ કરી દેવાયો
ગઈકાલે સવારે રાજકોટમાં પડેલા અનરાધાર વરસાદના કારણે આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા જેના કારણે 31 લોકોના રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રામનાથ મંદિર પાસેથી એક વ્યકિત, ખરસીયા ગામમાંથી 14 વ્યકિત, હલંડા ગામે થી 4 લોકો અને ઉરાળા ગામેથી 12 લોકેો સહિત 31 વ્યકિતઓના રેસ્કયુ કરવામાં આવ્યા હતા.
આજી-1 જળાશય ઓવરફ્લો થયેલ છે. થતા ઓવરફ્લો થવાના પગલે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે સંબંધિત તમામ શાખાઓના અધિકારીઓ અને સ્ટાફને એલર્ટ રહેવા અને જરૂરીયાત મુજબ રાહત બચાવ કામગીરી કરવા સુચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો દ્વારા આજી નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા સતત માઇક સાથેના વાહનો ફેરવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.
નીચાણ વાળા વિસ્તાર લલુળી વોકળી, જંગલેશશ્વર, એક્તા નગર, ભગવતી પરા, મંછાનગર, રામનાથ પરા, બાપુનગર, પોપટપરા, વગેરે એનાઉન્સ કરાયું હતુ.વોર્ડ નં.16નો બેઠો પુલ સલામતીના ભાગરૂપે બેરીકેટ નાખી બંધ કરી દેવાયો હતો.