-
યાર્ડમાં 40,456 મણ જુદી જુદી જણસોની આવક
-
2100 રૂપિયાથી માંડી 4900 રૂપિયાના ભાવે અજમો વેચાયો
જામનગર સમાચાર
જામનગર માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતોની જણસો વેચવા માટેનું મહત્વનું ઠેકાણું. જેને લઇને વહેલી સવારથી જ જામનગર પંથકના ખેડૂતો યાર્ડ બહાર માલ વેચવા માટે ધામા નાખતા હોય છે. પરિણામે યાર્ડ બહાર કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળતી હોય છે. તેવામાં આજની જ વાત કરવામાં આવે તો આજે 1810 ખેડૂતો પાક વેચવા માટે આવતા યાર્ડમાં 40,456 મણ જુદી જુદી જણસોની આવક થઈ હતી અને તેમાં પણ સૌથી વધુ કપાસની આવક થઈ રહી છે. અમુક સંજોગોમાં તો કપાસની વધારે આવકને પગલે હરરાજી પર બ્રેક મારવી પડે તેવી પણ નોબત આવે છે.
આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં 322 ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા. પરિણામે 15288 મણ કપાસ યાર્ડમાં ઠલવાયો હતો અને કપાસના ભાવમાં 900 રૂપિયાથી લઇ 1525 રૂપિયા જેવા રહ્યા હતા. આમ કપાસના ભાવમાં આજે વધારો પણ નોંધાયો છે. બીજી બાજુ જીરુની આવકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે જીરુંની સિઝન શરૂ થવા જઈ રહી હોવાથી આજે 4200 થી માંડી 5775 ના ભાવે જીરૂ વેચાયું હતું અને યાર્ડમાં 2628 મણ જીરુંની આવક થઈ હતી. અજમાની પણ હાલ સીઝન હોવાથી અજમાની પણ સારી એવી આવક નોંધાઈ રહી છે. આજે 2100 રૂપિયાથી માંડી 4900 રૂપિયાના ભાવે અજમો વેચાયો હતો.બીજી તરફ 1,000 થી માંડી 1255 રૂપિયા જેવા રાયના ભાવ મળ્યા હતા. તો મરચાના ભાવમાં ગઈકાલે ઐતિહાસિક તેજી બાદ આજે કડાકો નોંધાયો હતો અને આજે 800 રૂપિયાથી લઈ 3,870 જેવા મરચાના ભાવ મળ્યા હતા. તો ડુંગળીના ભાવ હજુ પણ નિરાશાજનક છે. આજે 50થી રૂપિયાથી માંડી 350 રૂપિયાના ભાવે ડુંગળી વેચાઈ હતી. સાથે જ મગફળીના ભાવમાં પણ ધીમે ધીમે ઘટાડો નોંધાય રહ્યો છે આજે 1050 રૂપિયાથી 1180 રૂપિયાના ભાવે મગફળીનું વેચાણ થયું હતું.