સોરઠ પંથકના મોટાભાગના વિસ્તારોમાં ઉતાવળિયા ખેડૂતોએ વાવણી કરી લીધી છે, પરંતુ વાવણીના વધામણા બાદ મેઘરાજાએ વિરામ લઇ લેતા હવે વાવેલા લાખો રૂપિયાના બિયારણ નિષ્ફળ જવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ ભીમ અગિયારસ આસપાસમાં છૂટો છવાયો વરસાદ થઈ જતાં, વાવણી કાર્ય પૂર્ણ કરી લીધું છે.
આગોતરી વાવણી બાદ હવે બિયારણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ
ત્યારે હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી વરસાદ ખેંચાવાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે. અને વરસાદના આવતા ઝાપટાં પણ બંધ થતાં અને ઉપરની જમીન કોરી રહેતા, હાલ જમીનમાં વાવેલા બિયારણ બહાર આવી શકતા નથી, ત્યારે વરસાદની તાતી જરૂર છે પરંતુ મેઘરાજા મહેર કરશે નહીં તો બીયારણને પાણી મળશે નહીં. અને ખેડૂતોના માથે સંકટના વાદળો ધેરા બની જશે તેવી ખેડુ પુત્રોને ચિંતા સતાવી રહી છે.
વાવણી સમયે ઓરવામાં આવેલા કપાસિયા ક્યાંક ફેલ થઈ જાય તેમ છે, તો મગફળીમાં પણ વરસાદની ખેંચ વર્તાય રહી છે, ત્યારે હજુ પણ વરસાદ ખેંચાશે તો અનેક ખેડૂતોની મહેનત તો પાણીમાં જશે સાથોસાથ લાખો રૂપિયાના ખાતર અને બિયારણ પણ ફેલ જશે અને ખેડૂતોને માથે હાથ બેસીને રોવાનો વારો આવશે તેવી પરિસ્થિતિ સોરઠના ખેડૂતોની ઉદભવા પામી છે.
આ અંગે સોરઠ પંથકના ખેડૂતોએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલ વાવાઝોડા માંથી માંડ માંડ કરીને ઊભા થયા છે, ત્યાં પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વાવણી જેવો વરસાદ થતા મોંઘા ભાવનું ખાતર અને બિયારણ તો વાવી દીધું છે પરંતુ વાવણી થયા બાદ વરૂણ દેવે વિરામ લઇ લેતા કપાસિયા ફેલ થઈ ગયા છે અને જે ખેતરમાં કપાસ ઉગયો છે તેમાં પણ વરસાદની તાતી જરૂર છે. તો મગફળી પણ વરસાદ ન વરસે તો ઉગી શકે તેમ નથી.
આવી પરિસ્થિતિ વચ્ચે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને બીજી વખત વાવણી કરવાની ફરજ પડશે અને વાવણી સમયે ખરીદેલા મોંઘા બિયારણો અને ખાતરોના રૂપિયા ધૂળ ધાની થઈ જતાં આર્થીક નુકસાનમાં વધારો થશે.