મોડાસા, ભિલોડા સહિતનાં વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ: વાસંદામાં સવારે ૮:૪૫ કલાકે ૩.૧ તિવ્રતાનો આંચકો અનુભવાયો, નવસારીથી ૪૫ કિલોમીટર દુર ભુકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

રાજયમાં મેઘરાજા ચાલુ વરસે જવાનું નામ જ લેતા નથી જેનાં કારણે ઋતુ ચક્રમાં તેની અસરો જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી ઉતર ગુજરાતનાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ઉતર ગુજરાતનાં અરવલ્લીમાં જિલ્લાનાં મોડાસા, ભીલોડા સહિતનાં વિસ્તારોમાં સવારથી કમોસમી ઝરમર વરસાદ શરૂ થયો છે જેનાં કારણે જગતાતમાં ચિંતા પ્રસરી છે. બીજીબાજુ વાત કરીએ તો આજે વહેલી સવારે નવસારીનાં વાસંદામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો જોકે આ ભુકંપની તીવ્રતા સામાન્ય હોવાથી મોટાભાગનાં લોકોને ખબર જ ન હતી કે ભુકંપ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં ઋતુ ચક્રમાં ફેરફારનાં કારણે ખેતીનાં વિવિધ પાકો પર સારી નરસી અસરો જોવા મળી રહી છે. ઉતર ગુજરાતનાં અરવલ્લી જિલ્લાનાં મોડાસા, ભિલોડા સહિતનાં શહેરોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે જેને લઈને ખેડુતો ચિંતામાં મુકાયા છે. આવી પરિસ્થિતિનાં કારણે ઘઉંનાં પાક પર માઠી અસર પડી શકે છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં ફરી તમાકુ, જુવાળ, બાજરી અને કપાસ જેવા પાકમાં જ લશ્કરી ઈયળ આવતી હતી અને ઘઉંનાં પાકમાં પણ આ ઈયળો દેખાવા લાગી છે.

અરવલ્લી સાબરકાંઠાનાં વાતાવરણમાં પલ્ટો આવતા તેની અસર સમગ્ર ઉતર ગુજરાતમાં જોવા મળી રહી છે.

7537d2f3 4

આજે સવારે ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સિવાય દેહગામ અને તલોદમાં વરસાદી છાંટા પડયા હતા જેનાં કારણે રવિ પાકનાં વાવેતર પર અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં પલ્ટો થતાં ખેડુતો ચિંતિત છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ઘઉં અને મકાઈનાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

નવસારીનાં વાસંદામાં આજે વહેલી સવારે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર ૩.૧ની તિવ્રતાનો આંચકો લગભગ સવારે ૮:૪૫ વાગ્યે અનુભવાયો હતો અને નવસારીથી ૪૫ કિલોમીટર દુર ભુકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું જોકે આ ભુકંપથી કોઈ જાનહાની કે માનહાની થઈ નથી પરંતુ વારંવાર આવી રહેલા ભુકંપનાં હળવા આંચકાએ ભવિષ્યમાં કોઈ મોટા ધરતીકંપની આગાહી સમાન છે જોકે આ ભુકંપની તીવ્રતા સામાન્ય હોવાથી મોટાભાગનાં લોકોને ખબર પણ નહોતી પડી કે ભુકંપનો આંચકો આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.