સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘ વિરામ જેવો માહોલ: સોમવાર સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સિઝનનો સરેરાશ 76.62 ટકા વરસાદ: સૌરાષ્ટ્રમાં 108.34 ટકા વરસી ગયો
રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 128 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા આઠ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સોમવાર સુધી રાજ્યનાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘ વિરામ જેવો માહોલ રહેવા પામ્યો હતો. ચોમાસાની સિઝનમાં 76.62 ટકા વરસાદ વરસી ગયો છે.
ગુરૂવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 35 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. પહેલા કચ્છ ત્યારબાદ સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મેઘરાજાએ હવે જાણે દક્ષિણ ગુજરાતનો વારો લીધો હોય તેવું લાગી રહ્યું છે. ગુરૂવારે દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધારે 12 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. દરમિયાન આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 128 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં 209 મીમી વરસ્યો હતો. આ ઉપરાંત બોડેલીમાં 195 મીમી, જાંબુબેડામાં 149 મીમી, છોટા ઉદેપુરમાં 104 મીમી, તિલકવાડામાં 96 મીમી, સનખેડામાં 96 મીમી, સિનોરમાં 84 મીમી, કપરાડામાં 54 મીમી, બોરસદમાં 47 મીમી, નસવાડીમાં 47 મીમી, ગુરૂડેશ્ર્વરમાં 40 મીમી, આણંદમાં 37 મીમી, સુબીરમાં 33 મીમી, બારડોલીમાં 29 મીમી, ક્વાંટમાં 28 મીમી, વાઘોડિયામાં 26 મીમી, શંખેશ્ર્વરમાં 25 મીમી અને અંકલાવમાં 24 મીમી વરસાદ પડ્યો હતો.
આ સિવાયના 102 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂત ખેતી કામમાં પરોવાય ગયો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો પખવાડિયું મેઘરાજા વિરામ લેશે તો મોલાતને ખૂબ જ ફાયદો થાય તેવી આશા ખેતીના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. આગામી ત્રણ દિવસ હજી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 76.62 ટકા વરસાદ વરસી ગયો છે.
કચ્છ રિજીયનમાં 134.70 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.84 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 58.98 ટકા, સૌરાષ્ટ્રમાં 108.34 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 66.78 ટકા વરસાદ વરસી ગયો છે. મેઘરાજા રાજ્યના અલગ-અલગ પ્રાંતનો એક પછી એક વારો લેતા હોય તેવું લાગી રહ્યું છે. બિપરજોય વાવાઝોડા સમયે કચ્છમાં અનરાધાર વરસ્યા બાદ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. પછી દક્ષિણ ગુજરાતમાં જળ બંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ કર્યા બાદ મધ્ય ગુજરાતને મેઘરાજાએ ગઇકાલે ધમરોળ્યું હતું.
ઉના-ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા
રાજ્યમાં વરસાદી માહોલ સાથે ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે. ગઈકાલે સાંજે 7:34કલાકે ઉનાથી 18 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જયારે આજે વહેલી સવારે 5:46 કલાકે કચ્છના ભચાઉથી 19 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
ભાદર સહિત 24 ડેમના દરવાજા ખુલ્લા: 30 જળાશયો સતત ઓવરફલો
સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયો છલકાય ગયા છે. મેઘરાજાએ છેલ્લા ત્રણેક દિવસથી પોરો ખાદ્યો છે છતાં છલકાતા નદી નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. ભાદર સહિત ર4 જળાશયોના દરવાજા ખુલ્લા રાખી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જયારે 30 ડેમ સતત ઓવરફલો થઇ રહ્યા છે.
ભાદર ડેમના ર9 પૈકી પાંચ દરવાજા 0.9 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મોજ, વેણુ-ર, આજી-ર, આજી-3, સુરવો, ડોંડી, ન્યારી-1, ન્યારી-ર, છાપરવાડી-ર, કરમાળ, ભાદર-ર, કર્ણુકી, મોરબી જિલ્લાના બ્રાહ્મણી-ર અને મચ્છુ-3, જામનગર જિલ્લાના આજી-4, રઁગમતિ, ઉંડ-1, કંકાવટી, ઉંડ-ર, ફુલઝર, ઉમીયા સાગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વર્તુ-ર ડેમના દરવાજા ખુલ્લા છે.
જયારે ફોફળ, આજી-1,, સોડવદર, ગોંડલી, વાછપરી, વેરી, ફાડદંગ બેટી, છાપરવાડી-1, ઇશ્ર્વરીયા, મચ્છુ-1, સસોઇ, પન્ના, ફુલઝર-1, સપડા, ફુલઝર-ર, વિજરળી, ડાઇમીણસર, ઉંડ-3, વાડી સંગ, રૂપાવટી અને રૂપારેલ ડેમ સતત ઓવરફલો થઇ રહ્યા છે.
હજુ ત્રણ દિવસ ભારે વરસાદની વકી
સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જોતા આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આજે પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, નર્મદા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 30 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 31 જુલાઈએ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સારબકાંઠામાં વરસાદ ખાબકી શકે છે.