• અનેક શાળા- કોલેજો, ઓફિસો અને મનોરંજનના સ્થળો બંધ, લોકોને ઘરમાં જ રહેવાની સલાહ: આજે પણ વરસાદની આગાહી

યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ગુરુવારે ફરી તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે દુબઈમાં સંખ્યાબંધ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી અને સેંકડો લોકો દુબઈ ઍરપોર્ટ પર ફસાઈ ગયા હતા. વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે દુબઈ સહિતનાં શહેરોમાં સરકારી વિભાગ અને પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓને ગુરુવાર-શુક્રવારે વર્ક ફ્રોમ હોમની સલાહ તથા લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી હતી. અગાઉ 14-15 એપ્રિલે દુબઈમાં 1949ની સાલ પછી પહેલી વાર સૌથી વધારે વરસાદ પડ્યો હતો.

યુએઇ હાલમાં ગંભીર હવામાન પરિસ્થિતિઓનો અનુભવ કરી રહ્યું છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને વાવાઝોડાએ પ્રદેશને ઘેરી લીધું છે. જેના કારણે સામાન્ય જીવનને ખોરવાઈ ગયું છે અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુરુવારે હવામાન વધારે ખરાબ બન્યું હતું અને રહેવાસીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ડિસ્ટન્સ લર્નિંગ અપનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રતિકૂળ હવામાનમાં અકસ્માતોને રોકવા માટે જાહેર મનોરંજનના વિસ્તારો જેમ કે ઉદ્યાનો અને દરિયાકિનારાને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે.

નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી એ રહેવાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપી છે. હવામાન વિભાગે લોકોને એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી વાહન ચલાવવાનું ટાળવાનું કહ્યું છે. આ ઉપરાંત જો જરૂરી હોય તો સાવધાની સાથે વાહન ચલાવવા અને તમામ વાહન ચાલકોને સલામતી સુનિશ્ચિત કરવા માટે સતર્ક રહેવાનું કહ્યું છે. વાહનચાલકોને ભારે વરસાદ દરમિયાન વિઝિબિલિટી વધારવા માટે લો-બીમ હેડલાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત હજી પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. તેના લીધે લોકોને બિનજરુરી ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાંરાખતા દુબઈનું ગૃહમંત્રાલય એનસીઇએમએના સહયોગમાં કામ કરી રહ્યુ છે. સપ્તાહના બાકીના બધા દિવસ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોવીસે કલાક ધમધમતુ દુબઈ થંભી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.