આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હળવી વીજળી, વાવાઝોડાં અને વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય અને લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ડીસામાં 42.4 અને અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે ગઈકાલે સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસતા ઉનાળે અષાઢી જેવો માહોલ સર્જાયો હતો જો કે સૌરાષ્ટ્રમાં આજથી ગરમી વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, અરવલ્લી, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૃચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં હળવા વાવાઝોડા અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે. આ સમય દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂકાય તેવી શક્યતા છે.
આવાં વાતાવરણના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આજે મિશ્ર ઋતુ ધરાવતા વાતાવરણના કારણે અમદાવાદ, ગાંધીનગર અને ડીસા, રાજકોટ સિવાયના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી નીચે રહ્યું હતું અને લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.