લક્ષ્મીનગર, પોપટપરા, રેલનગર સહિતનાં નાલાઓ બંધ: પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો: સામાન્ય વરસાદમાં પણ શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: આજે રાત્રથી કાલ બપોર સુધી શહેરમાં સારા વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનની અસરનાં કારણે ગઈકાલથી રાજયભરમાં ચોમાસાએ ભારે જમાવટ લીધી છે. રવિવારે આખો દિવસ રાજકોટમાં ઝરમર વરસાદ વરસ્યા બાદ મોડીરાત્રે મેઘાએ વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું હતું અને શહેરમાં આખીરાત વરસાદ વરસ્યો હતો. આજે સવાર સુધીમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું કોર્પોરેશનનાં ફાયર બ્રિગેડનાં રેકોર્ડ પર નોંધાયું છે. સામાન્ય વરસાદમાં પણ શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠવા પામી છે. લક્ષ્મીનગર, પોપટપરા અને રેલનગરનાં નાલા બંધ કરી દેવામાં આવ્યા હતા. વાહન ચાલકો જોખમ લઈને અહીંથી પસાર ન થાય તે માટે સલામતીનાં ભાગ‚પે અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. કચ્છ પર વેલમાર્ક લો-પ્રેશર બન્યું છે સાથો સાથ સાયકલોનીક સરકયુલેશન પણ સતત ફર્યા રાખે છે જેના કારણે આજ રાતથી બપોર સુધી રાજકોટમાં સારા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

શહેરમાં ગઈકાલે સવારથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. સવારથી લઈ સાંજ સુધીમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનાં કારણે શહેરનાં મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. મેઘરાજાએ ગામ દેવતા એવા સ્વયંભુ રામનાથ મહાદેવનો જલાભિષેક પણ કર્યો હતો. નદીમાં બેસુમાર ગંદકી અને ગાંડી વેલનાં કારણે તંત્રનાં પાપે ભગવાનનો ગંદકીથી અભિષેક થતો જોતા ભાવિકોનાં દિલ પણ ઉભાયા હતા. રાત્રે ૧૧ વાગ્યે ફરી શહેરમાં મેઘાના મંડાણ થયા હતા અને ધીમીધારે સવારનાં ૭ વાગ્યા સુધી સતત વરસાદ પડયો હતો. કોર્પોરેશનનાં ફાયર બ્રિગેડનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૬૮ મીમી (મોસમનો કુલ ૧૬૯ મીમી) વેસ્ટ ઝોન વિસ્તારમાં ૯૩ મીમી (મોસમનો કુલ ૧૭૫ મીમી) અને ઇસ્ટ ઝોનમાં ૫૬ મીમી (મોસમનો કુલ ૧૬૫ મીમી) વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. ભારે વરસાદનાં કારણે શહેરની જળજ‚રીયાત સંતોષતા તમામ પાંચેય જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે.

મહાપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે હાથ ધરવામાં આવેલી કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની આજે મેઘરાજાએ રિતસર પોલ ખોલ નાખી હતી. ધીમીધારે રાતભર વરસેલા વરસાદમાં શહેરમાં માત્ર ૪ ઈંચ પાણી પડયું હોવા છતાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોઠણસમા પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં પણ લક્ષ્મીનગરનું નાલુ, પોપટપરાનું નાલુ અને રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. લક્ષ્મીનગરનું નાલુ પાણીમાં ગરકાવ થઈ જતા કોઈ વાહન ચાલક અહીંથી નીકળવા જોખમ ન ઉઠાવે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સવારથી અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઈન્દ્રપ્રસ્થનગરમાં એક ટીસીનો વીજપોલ પણ ધરાશાયી થઈ જવા પામ્યો હતો.

હાલ કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં વેલમાર્ક લો-પ્રેશર સક્રિય થયું છે સાથો સાથ સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન પણ સક્રિય છે જેની અસરનાં કારણે આગામી ૪૮ કલાક રાજયમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે રાત્રીથી આવતીકાલ બપોર સુધીમાં રાજકોટમાં સારો એવો વરસાદ વરસી જાય તેવી શકયતા જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.