ઉત્તરાખંડ, હિમાચલ સહિત પર્વતીય રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વરસાદ અને હિમવર્ષાએ કેર વર્તાવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં તો શુક્રવારે સિઝનની સૌથી ભીષણ હિમવર્ષા થઈ હતી. ઊંચાઈ પર આઠ ફૂટ સુધી જ્યારે મેદાની ભાગોમાં બે ફૂટ સુધી બરફ જામી ગયો હતો. જનજીવન પણ થંભી ગયું.
રાજ્યના 22માંથી 16 જિલ્લામાં લોકોને કહેવાયું કે તે ઘરોમાં જ રહે. શ્રીનગરમાં તાપમાન -1 ડિગ્રી, ગુલમર્ગમાં -7.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. સૌથી ઠંડુ કારગિલ રહ્યું. ત્યાં પારો -16.6 ડિગ્રી નોંધાયો. કુલગામ જિલ્લામાં જવાહર ટનલ પાસે ગુરુવારે હિમપ્રપાત થતાં પોલીસ પોસ્ટ પર હાજર 10 પોલીસકર્મી ફસાઈ ગયા હતા.
તેમાં 7 સૈનિકો મૃત્યુ પામ્યા જ્યારે ત્રણને બચાવી લેવાયા હતા. અનંતનાગમાં હિમપ્રપાતને લીધે ઘર ધસી પડ્યું. તેમાં દંપતી મૃત્યુ પામ્યું. તેમનાં બે બાળકોને બચાવી લેવાયાં હતાં.
દિલ્હી અને એનસીઆરમાં ગઈ કાલ સાંજથી જ કાશ્મીર જેવું હવામાન થઈ ગયું છે. ભારે વરસાદ અને કરા પડવાથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ પણ થયો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૪૮ કલાક સુધી દિલ્હી-એનસીઆરનું હવામાન આવું ઠંડું જ રહેશે અને હજુ ભારે વરસાદ થઈ શકે છે. સ્થાનિક લોકોને કાતિલ ઠંડી માટે તૈયાર રહેવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.