છેલ્લા ૪ દિવસમાં એક લાખથી વધુ વેગનોએ દેશમાં જીવનજરૂરી વસ્તુઓ પુરી પાડી
સમગ્ર ભારતભરમાં ૨૧ દિવસનો લોકડાઉન પીરીયડ જે જોવા મળી રહ્યો છે તેમાં લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવા માટે વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી રહી છે જેમાં મુખ્યત્વે ઈન્ડિયન રેલવે તેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે. આશરે પ્રતિ દિવસ ૨૫૦૦૦ વેગનો દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવે છે. ગત ૪ દિવસમાં ૧.૬ લાખ વેગનોમાંથી ૧ લાખ વેગનોએ લોકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે તે દિશામાં કામગીરી પણ કરી છે. લોકડાઉનનાં સમયમાં સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને આવકારતા રેલવે દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. લોકડાઉન સમયમાં સરકારે સ્પષ્ટપણે જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ પુરી પાડવા માટે સહાયરૂપ એવી તમામ દુકાનોને ચાલુ રાખવાની મંજુરી આપી છે ત્યારે આગામી ૨૧ દિવસ સુધી લોકોને જે જથ્થો મળશે તે બાદ સ્ટોક અંગે હાલ ચિંતા કરવામાં આવે છે.
ઈન્ડિયન રેલવે દ્વારા તમામ પેસેન્જર ટ્રેનોને ૨૧ દિવસ માટે રદ કરવામાં આવી છે સાથોસાથ આ તમામ ટ્રેનોને નોન ઓપરેશનલ કરી દેતા વેગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી છેવાડા સુધી જીવન જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો લોકોને મળતો રહે. સમગ્ર વિશ્ર્વમાં જે રીતે કોરોનાનો કહેર વ્યાપી ઉઠયો છે તે મુજબ વડાપ્રધાન મોદીએ ૧૪ એપ્રિલ સુધીનાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આંકડાકિય માહિતી મુજબ પ્રતિ દિવસ અંદાજે ૨૫ હજાર વેગનો જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાદ્ય સામગ્રી, મીઠુ, તેલ, ખાંડ, દુધ, ફળ અને શાકભાજી જેવી ચીજવસ્તુઓનું પરીવહન કરી રહ્યું છે જેમાં સરેરાશ ૨૦ હજાર જેટલા કોલસાના વેગનો અને ૧૭૦૦ જેટલા વેગનો પેટ્રોલિયમ પદાર્થોને લઈ પ્રતિ દિવસ લોડ થઈ રહ્યા છે.
રેલવે મંત્રાલય દ્વારા રાજયની તમામ સરકારી કચેરીઓ સાથે મંત્રણા કરવામાં આવી રહી છે અને આ તમામ ચીજવસ્તુઓ નિયત સમય પર તથા નિયત જગ્યા પર પહોંચે તે દિશામાં હાલ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ કાર્યમાં કોઈ જ પ્રકારની પારાવાર મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજય સરકાર દ્વારા જે રીતે કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે એવી જ રીતે રેલ મંત્રાલય દ્વારા ઈમરજન્સી ફ્રેઈટ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવ્યા છે જેમાં વરિષ્ઠ અધિકારીઓ રેલ મારફતે પરિવહન કરતા તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓનું મુલ્યાંકન કરશે અને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તે માટે પણ તેઓ ધ્યાન રાખશે. સરકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ૨૧ દિવસનાં લોકડાઉન સમયમાં કોઈ પણ પ્રકારનો ફ્રેઈટ ચાર્જ જેવો કે વારફ્રેજ, ડેબરેજ, ડિટેન્સન, ગ્રાઉન્ડ યુસેઝ ચાર્જ જેવા ચાર્જીસ લગાડવામાં નહીં આવે.