શતાબ્દી, તેજસ અને ગતિમાન એકસપ્રેસ ટ્રેનોમાં મુસાફરીને પ્રોત્સાહન આપવા ટીકીટ ભાડામાં ડીસ્કાઉન્ટ આપવામાં આવશે
સસ્તી બનેલી હવાઈ સફર અને સુલભ બનેલા માર્ગ પરિવહનની સુવિધાના કારણે રેલવેમાં મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. જેથી રેલવે તંત્રએ સમયની માંગ પ્રમાણે સસ્તી બનેલી હવાઈ સફરનો મુકાબલો કરવા અનેક સુધારા વધારા કરીને પોતાની સેવાઓને શ્રેષ્ઠ બનાવી છે જે બાદ હવે, માર્ગ પરિવહન ક્ષેત્રે ઉભી થયેલી હરિફાઈને ટકકર આપવા રેલવે તંત્રએ વિવિધ ખાલી જતી ટ્રેનોના ટીકીટ ભાડામાં ૨૫ ટકા સુધીનું ડીસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
રેલવેના વરિષ્ટ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ શતાબ્દી એકસપ્રેસ, તેજસ એકસપ્રેસ અને ગતિમાન એકસપ્રેસ ટ્રેનોમાં ગત વર્ષે ૫૦ ટકા જેટલી ખાલી જગ્યાઓ રહેવા પામી હતી. આ ટ્રેનો સંપૂર્ણ એસી ટ્રેનો હોય તેના ટીકીટ દરો પ્રમાણમાં અન્ય એકસપ્રેસ ટ્રેનો કરતા વધારે હોય છે. જેના કારણે આ ટ્રેનોમાં ખાલી જગ્યાઓ રહેવા છતાં મુસાફરો તેમાં મુસાફરી કરવાનું પસંદ કરતા નથી.
જેથી આ ટ્રેનોમાં એસી ચેર કાર અને એકઝીકયુટીવ ચેર કાર બેઠકોનાં ટીકીટ ભાડામાં ૨૫ ટકા સુધી ડીસ્કાઉન્ટ આપવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો છે. જોકે, આ ડીસ્કાઉન્ટ માત્ર ટીકીટ ભાડામાં અપાશે તેમાં જીએસટી, રીઝર્વેશન ફી, સુપર ફાસ્ટ ચાર્જ વગેરે વસુલાતા અલગ ચાર્જો યથાવત રહેવા પામશે તેમ રેલવેના વરિષ્ટ અધિકારીએ જણાવીને આ ડીસ્કાઉન્ટ યોજનાની ટુંક સમયમાં વિધિવત જાહેરાત કરવામાં આવશે તેમ ઉમેર્યું હતુ