- હાઇ ટ્રાફિક ડેન્સીટી કોરિડોર, ખનીજ- ઉર્જા અને સિમેન્ટ કોરિડોર તેમજ પોર્ટ કોરિડોરનું નિર્માણ કરાશે, નવો 40 હજાર કિમીનો ટ્રેક પણ બનાવાશે
બજેટમાં રેલવે માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ તો ત્રણ કોરિડોર બનાવી અને નવો 40 હજાર કિમીનો ટ્રેક બનાવીને રેલવે 2030-31 સુધીમાં વેઇટિંગ લિસ્ટની સમસ્યાનું નિરાકરણ લાવશે તેમ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે.
રેલ્વે મંત્રીએ કહ્યું કે બજેટમાં ત્રણ કોરિડોરની જાહેરાત વેઈટિંગ ટિકિટને દૂર કરવાની દિશામાં લેવાયેલું પગલું છે. કારણ કે હાલમાં વાર્ષિક 700 કરોડ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. 1000 કરોડ સુધી પહોંચવાનું છે, જેના કારણે વેઇટિંગ લિસ્ટ સમાપ્ત થશે. આ માટે નવા રેલવે ટ્રેક બનાવવામાં આવશે અને નવી ટ્રેનો દોડાવવામાં આવશે.
તેમણે કહ્યું કે ત્રણ કોરિડોર સહિત 40 હજાર કિ.મી. રેલવે ટ્રેક બનાવવામાં આવશે. હાઇ ટ્રાફિક ડેન્સીટી કોરિડોર,ખનીજ- ઉર્જા અને સિમેન્ટ કોરિડોર તેમજ પોર્ટ કોરિડોર આ ત્રણ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. આ જર્મની જેવા વિકસિત દેશના કુલ રેલ્વે ટ્રેકની બરાબર હશે. જેમાં નવા રેલ્વે ટ્રેકના નિર્માણ ઉપરાંત હાલના રેલ્વે ટ્રેક પર જરૂરીયાત મુજબ ડબલીંગ કે તેથી વધુ ટ્રેક નાખવામાં આવશે. આ સાથે ટ્રેનો માટે ફ્લાયઓવર અને અંડરપાસ પણ બનાવવામાં આવશે.
વેઇટિંગ લિસ્ટનો અંત લાવવા ત્રણ કોરિડોર બનાવવાની જાહેરાત અચાનક બજેટમાં કરવામાં આવી નથી. આ માટે છેલ્લા બે વર્ષથી કામ ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું કે કોરિડોરની રૂપરેખા 18 મંત્રાલયો, તમામ રાજ્યો અને ઉદ્યોગસાહસિકો સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરવામાં આવી છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ચારેય કોરિડોર બનાવવામાં 9 વર્ષનો સમય લાગશે. 40 હજાર વંદે ભારત કોચ બનાવવામાં પાંચ વર્ષ લાગશે. આ રીતે વેઇટિંગ લિસ્ટનો અંત આવતાં છથી સાત વર્ષનો સમય લાગશે. એટલે કે વર્ષ 2030-31 સુધી લોકો ક્ધફર્મ ટિકિટ મેળવી શકશે.