કોરોનાના ભયથી સ્ટેશને ભીડ રોકવા રેલવેનો નિર્ણય
રાજકોટ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનોએ તાત્કાલીક અસરથી અમલ
દેશમાં કોરોનાના ચેપને પ્રસરતો રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. અને સરકારે પણ જાહેર સ્થળોએ લોકોને ભીડ નહી કરવા અપીલ કરી છે. ત્યારે રેલવે તંત્રે પણ રેલવે સ્ટેશને લોકોની વધારાની ભીડ અટકાવવા માટે પ્લેટફોર્મ ટિકિટના રૂા.૧૦ થી વધારીને રૂા.૫૦ કર્યા છે. રેલવે પ્લેટફોર્મ ટિકીટના રૂા.૫૦ તાત્કાલીક અસરથી અમલી બનાવ્યા છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે તંત્રના જણાવ્યા મુજબ રાજકોટ રેલવે ડિવિઝનમાં આવેલા તમામ રેલવે સ્ટેશનો પર તાત્કાલીક અસરથી રેલવે પ્લેટફોર્મ ટિકિટના રૂા૧૦થી વધારીને રૂા.૫૦ કરાયા છે. પ્લેટફોર્મ ટિકિટના આ નવા દર ૩૦ દિવસ માટે અમલી બનશે અત્રે એ યાદ આપીએ કે રેલવે મુસાફરોને તેડવા મૂકવા આવતા મુસાફરોનેપ્લેટફોર્મ પર રહેવા બે કલાકની મંજૂરી આપે છે. અને આ માટે રૂા.૧૦ની પ્લેટફોર્મ ટિકિટ મેળવવી પડે છે. આ પ્લેટફોર્મ ટિકિટના દર હવેથી રૂા.૫૦ કરાયા છે.
કોરોના વાયરસના ફેલાવા સામે તકેદારી રાખવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. તે અનુસંધાને રાજકોટ રેલવે તંત્રે આ નિર્ણય કર્યો છે.