ફેબ્રુઆરી, માર્ચ અને ઓગસ્ટમાં ૩૨ ટ્રેનોમાં ફલેકસી ફેર સ્કીમનો અમલ નહીં
તહેવારોને ધ્યાનમાં રાખી રેલવેએ સામાન્ય યાત્રિકોને મોટી રાહત આપી છે. રેલવેએ તેની ફલેકસી ફેર સ્કીમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેનો આ નિર્ણય સામાન્ય યાત્રીઓ માટે મોટી રાહત લઈને આવ્યો છે. ખાસ કરીને ત્યારે જયારે દિવાળી અને અન્ય તહેવારોમાં લોકો રેલવેની ટીકીટ લઈ યાત્રા કરવા માંગે છે.
રેલવે મંત્રાલયે યાત્રીઓને રાહત આપતા વર્ષ દરમિયાન ૫૦ ટકાથી ઓછી બુકિંગવાળી ૧૫ પ્રિમીયમ ટ્રેન પરથી ફલેકસી સ્કીમને હટાવી લેવાઈ છે અને અન્ય સીઝનમાં જયારે ટીકીટ બુકિંગ ૫૦ થી ૭૫ ટકા સુધી ઘટી જાય છે એવી ૩૨ ગાડીઓમાં ફલેકસી ફેર યોજના લાગુ કરી નથી. રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, રેલવે યાત્રીઓને દિવાળીની ભેટ રૂપે રેલ્વેએ ફલેકસી ફેર ઘટાડયો છે. જેમાં રાજધાની, શતાબ્દી, દુરન્તો અને હમસર ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, આ સ્કીમ ફેબ્રુઆરી, માર્ચ અને ઓગસ્ટમાં ૩૨ ટ્રેનોમાં ફલેકસી ફેર સ્કીમનો અમલ નહીં થાય જયારે હાલ ૧૫ ટ્રેનમાં આ યોજના પાછી ખેંચાઈ છે. ભારતીય રેલવેએ ૯ સપ્ટેમ્બર ૨૦૧૬માં પ્રિમિયમ રેલગાડીઓ માટે ફલેકસી ફેયર યોજના લાગુ કરી હતી.
જેમાં ૪૪ રાજધાની, ૫૨ દુરંતો અને ૪૬ શતાબ્દી ટ્રેન સામેલ હતી. મહત્વનું છે કે ફલેકસી ફેર સ્કીમથી રેલવેને રૂ.૧૦૨ કરોડનું નુકસાન થયું છે અને હવે ૧૫ ટ્રેનમાંથી આ સ્કીમ પાછી ખેંચી લેતા લાભ થવાની આશા છે.ફલકેસી ફેર સ્કીમમાં ફેરફારથી યાત્રીઓને સસ્તા દરે ટીકીટ મળશે જયારે રેલગાડીઓમાં સીટની માંગમાં પણ વૃદ્ધિ થશે.