રેલવેમાં સારી કામગીરી કરનારા ૧૧.૫૨ લાખ કર્મચારીઓને દશેરા પહેલા બોનસ આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય: જો કે બોનસની રકમ મુદ્દે રેલવે યુનિયનોમાં નારાજગી

વિશ્વમાં સૌથી મોટા રેલ નેટવર્કનું સંચાલન કરતી ભારતીય રેલવે દ્વારા ગુણવત્તાસભર શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને બોનસ આપવાનો પ્રસ્તાવ કેન્દ્રીય કેબીનેટ સમક્ષ મૂકયો હતો જેને ગઈકાલે મળેલી કેબિનેટે મંજૂરી આપીને ૧૧.૫૨ લાખ રેલવે કર્મીઓને ૭૮ દિવસનું બોનસ દશેરા પહેલા આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વિગતો આપી હતી ભારતીય રેલવે તંત્ર પોતાનો કાર્યક્ષમતામાં સતત વધારો કરીને આધુનિક ટ્રેનો દોડાવવા અને મુસાફરો માટે ઉત્તમ સુવિધાઓ પુરી પાડવા કાર્યરત બન્યું છે. જેથી સતત છઠ્ઠા વર્ષે તંત્રના વિકાસ માટે ગુણવત્તાસભર કામગીરી કરનારા કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં રેલવે તંત્રએ કર્મચારીઓને પગાર પણ તેમની કામગીરીની ગુણવત્તા પર આપવા નિર્ણય લે તેવી સંભાવના છે.

કેન્દ્રીય મંત્રી  પ્રકાશ જાવડેકરે ગઈકાલે જણાવ્યું હતું કે, સતત છઠ્ઠા વર્ષે ઉત્પાદકતા સાથે જોડાયેલ રેલવે કર્મચારીઓને બોનસ આપવામાં આવી રહ્યું છે.  નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બોનસથી ૧૧ લાખ કર્મચારીઓને ફાયદો થશે અને સરકારના તિજોરી પર રૂા. ૨૦૨૪.૪૦ કરોડ ખર્ચ થશે. આ બોનસની ચુકવણી મોટી સંખ્યામાં રેલ્વે કર્મચારીઓને કામગીરી સુધારવા અને ઔદ્યોગિક ક્રાંતિ લાવવા ઉપરાંત ઉત્પાદકતાના સ્તરમાં વધારો કરવા પ્રેરણા આપે છે. તેમ જાવડેકરે ઉમેર્યું હતું.

જો કે, રેલ્વે યુનિયનો આ બોનસની જાહેરાતની ખુશ નથી અને કહ્યું હતું કે તેમને બોનસની વધવાની અપેક્ષા હતી. આ મુદ્દાને રેલ્વે બોર્ડ સાથે યોગ્ય સ્તરે ચર્ચા કરી હતી, જેમાં અમે રેલવે કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી ઉન્નત ઉત્પાદકતાને કારણે પીએલબીની ચુકવણી માટે દિવસની સંખ્યામાં વધારો કરવા વિનંતી કરી હતી, ઓલ ઇન્ડિયા રેલ્વેમેન ફેડરેશન તરફથી રેલ્વે બોર્ડના અધ્યક્ષને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે. તેમાં ઉમેર્યું હતું કે, તમામ વિષમ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરતા રેલ્વેના કર્મચારીઓને ચાલુ વર્ષે કેટલાક પીએલબીની અપેક્ષા કરી હતી, પરંતુ કમનસીબે, તે કરવામાં આવ્યું નથી.

આ પત્રમાં, ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવા ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેઓ રેલવે મંત્રાલયે રેલ્વે કર્મચારીઓને વધારતા પીએલબી માટે કરેલા પ્રયત્નોની પ્રશંસા કરે છે, પરંતુ તેઓની રજૂઆત છે કે રેલવે કર્મચારીઓએ ગયા વર્ષે કરેલી કામગીરીની ઉત્પાદકતાના આધારે મંત્રાલયે યોગ્ય વળતર ધ્યાનમાં લેવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.