રેલવે હવે શરૂ કરશે ‘બેગ્સ ઓન વ્હીલ’ સેવા
રેલવે મુસાફરોનો માલ સામાન ઘરેથી લઈ કોચ, બેઠક સુધી પહોચાડશે
કોઈપણ વ્યકિતને મુસાફરી કરવી ગમતી હોય છે. પછી તે રેલવેની હોય, વિમાની મુસાફરી હોય કે પોતાના કે ભાડાના વાહનની પણ મુસાફરીમાં બેગ કે સામાન લાવવો લઈ જવો કંટાળો આવે છે. રેલવેએ મુસાફરોને બેગ કે સામાનની સ્ટેશને લઈ જવાની ચિંતાથી મુકત કરવા નિર્ણય કર્યો છે. રેલવે હવે મુસાફરોનાં ઘરે કે સ્થળેથી રેલવે સ્ટેશન પર કોચ કે બેઠક સુધી માલ સામાન પહોચાડી દેશે.
રેલવે આગામી ટુંક સમયમાં આ બેગ્સ ઓન વ્હીલ સેવા કરવા જઈ રહ્યું છે. પ્રથમ તબકકે નવી દિલ્હી સહિત અમુક વિસ્તારોમાં આ સેવા આપ્યા બાદ આખા દેશમાં આ સેવા ચાલુ કરવાનો રેલવેનો ઈરાદો છે.
રેલવેનાં વર્તુળોનાં જણાવ્યા મુજબ આ સેવા શરૂ થવાથી મુસાફરોએ ઘરેથી પોતાના બેગ, સામાનને કોચ કે બેઠક સુધી પહોચાડવાની ચિંતા ન હી રહે રેલવે પ્રથમ વખત આવી સેવા શરૂ કરવા ઈચ્છે છે.
ભાડા ઉપરાંતની અન્ય આવક વધારવાના ભાગરૂપે રેલવે આ સેવા શરૂ કરવા માગે છે. આ સેવા એપ આધારીત હશે.
શરૂઆતનાં તબકકે આ સેવા નવી દિલ્હી રેલવે સ્ટેશન, દિલ્હી જંકશન, હઝરત નિઝામુદીન રેલવે સ્ટેશન, દિલ્હી છાવણી રેલવે સ્ટેશન, દિલ્હી સરાય રોહિલ રેલવે સ્ટેશન, ગાઝીયાબાદ રેલવે સ્ટેશન અને ગુરૂગ્રામ રેલવે સ્ટેશનોએ આ સુવિધા ઉપલબ્ધ થશે.
આયોજનમાં ‘એપ’માં અપાયેલી માહિતીના આધારે રેલવે મુસાફરનાં ઘરથી સામાન લઈ ટ્રેનના લાગતા વળગતા કોચ સુધી પહોચાડશે.
ઉત્તર અને મધ્ય રેલવેનાં મહાપ્રબંધક રાજીવ ચૌધરીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતુકે રેલવે સતત નવા ઉપાયો થકી આવક વધારવા પ્રયાસો કરી રહી છે. આ માટે મુસાફરોએ રેલવેનાં બીઓડબલ્યુ એપ પર બૂકીંગ કરાવવું પડશે. અને તેમાં માંગેલી માહિતી આપવી પડશે.
‘એપ’માં અપાયેલી જાણકારી માહિતી મુજબ જે તે મુસાફરનાં ઘરેથી બેગ, સામાન લઈ ટ્રેન ઉપડે એ પહેલા પહોચાડવાની જવાબદારી લેશે.
મુસાફરો ઓછા દરમાં આ સુવિધાનો લાભ લઈ શકશે.
રેલ્વે તંત્ર પોતાની આવક વધારવા માટે પ્રયાસો કરે છે. જેના ભાગ રૂપે અગાઉ પડતર જમીનમાં ફાળઉ વૃક્ષો વાવવા કે અન્ય ઉપયોગ કરવા અંગે પણ વિચારણા કરી ચૂકયુ છે.
વૃધ્ધો, દિવ્યાંગો, એકલી મુસાફરી કરતી મહિલાઓને મળશે રાહત
રેલવે દ્વારા ટ્રેનમાં શરૂ કરવામાં આવનાર આ સુવિધાથી મોટી ઉંમરના મુસાફરો, દિવ્યાંગો કે એકલી મુસાફરી કરતી મહિલાઓને રાહત મળશે તેમ રેલવે એ જણાવ્યું હતુ.