૭૦ જેટલા મુસાફરોને દિલ્હી પહોચવાના બદલે રાત એરપોર્ટ પર વિતાવી
રાજકોટથી દિલ્હી જવાની ફલાઇટ ૭-૩૦ના બદલે ૨-૩૦ કલાકે ટેકઓફ થઇ
એરપોર્ટ ઓથોરિટી અને એર ઇન્ડિયાના જવાબદારોએ મુસાફરોને સંતોષકારક જવાબ ન આપતા એરપોર્ટ પર હંગામો મચ્યો
એર ઇન્ડિયાની ફલાઇટના મુસાફરો વારંવાર હાલાકી ભોગવતા હોવાના આક્ષેપ: સ્પાઇસ જેટના અમદાવાદના મુસાફરોએ પરેશાની વેઠવી પડી
ભારતીય રેલવેના રેઢીયાળ તંત્રના કારણે બાપુ ગાડી અને પાપા ગાડીના ઉપનામથી ઓળખવામાં આવતી હતી.પરંતુ રેલવે તંત્રમા ધરખમ ફેરફારના કારણે મુસાફરોની હાલાકી ઓછી થઇ છે અને ઘણો સુધારો જોવા મળી રહ્યો છે પરૈતુ હવાઇ મુસાફરી છેલ્લા કેટલાક સમયથી ખાડે ગઇ છે. એર ઇન્ડિયાના તંત્રના કારણે મુસાફરો વારંવાર રજળી પડતા હોવાની ફરિયાદ ઉઠી છે. ગઇકાલે જ રાજકોટથી દિલ્હી જવા ઉપડતી એર ઇન્ડિયાની સાંજના સાડા સાત વાગ્યાની ફલાઇટ રાત્રે ૨-૩૦ કલાકે ટેકઓફ થતા ૭૦ જેટલા મુસાફરોને રાતભર રાજકોટ એરપોર્ટ પર વિતાવવી પડી હતી એટલું જ નહી મુસાફરોને એરપોર્ટ ઓથોરિટી કે એર ઇન્ડિયાના જવાબદારો દ્વારા સંતોષકારક જવાબ પણ આપવામાં ન આવતા મુસાફરો અળકાયા હતા. આ રીતે સ્પાઇસ જેટની અમદાવાદની ફલાઇટના મુસાફરો પણ રજળી પડયા હતા.
એર ઇન્ડિયાની ફલાઇટ સપ્તાહમાં ચાર દિવસ સાંજના સાત વાગે રાજકોટ આવે છે અને સાંજના સાડા સાત વાગે ફરી દિલ્હી જવા રવાના થાય છે. દિલ્હીથી સાંજના પાંચ વાગે ટેકઓફ થતી ગઇકાલની ટેકનિકલ ખામીના કારણે એર ઇન્ડિયાની ફલાઇટ દિલ્હીથી જ ટેકઓફ થઇ ન હતી. દિલ્હી જવા માટેના એર ઇન્ડિયા ફલાઇટના ૭૦ જેટલા મુસાફરો નિર્ધારીત સમયે એરપોર્ટ પર પહોચી ગયા હતા. પણ એર ઇન્ડિયાની ફલાઇટ આવી ન હતી. દિલ્હીથી રાજકોટ આવતા એર ઇન્ડિયાના મુસાફરો દિલ્હીમાં અટકયા હતા તે રીતે રાજકોટથી દિલ્હી જવાના ૭૦ મુસાફરો રાજકોટ એરપોર્ટ પર અટકી ગયા હતા.
રાજકોટ એરપોર્ટ પર અટકેલા એર ઇન્ડિયાના ૭૦ મુસાફરો વારંવાર એર ઇન્ડિયાની ફલાઇટ અંગે પૂછપરછ કરતા હતા તેઓને એરપોર્ટ ઓર્થોરિટી દ્વારા કે એર ઇન્ડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઇ સંતોષકારક જવાબ આપવામાં ન આવતા મુસાફરો અકળાયા હતા અને એરપોર્ટ પર જ હંગામો મચાવી દીધો હતો. એર ઇન્ડિયાની ફલાઇટ રાતે ૨-૩૦ કલાકે રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ મુસાફરોને લઇ દિલ્હી જવા રવાના થયું હતું. આ રીતે સ્પાઇસી જેટની ફલાઇટ પણ યાંત્રિક ખામીના કારણે અમદાવાદ એરપોર્ટ પર મોડુ થતા મુસાફરો અટકી ગયા હતા.
રાજકોટથી દિલ્હી જવાની એર ઇન્ડિયાની સપ્તાહમાં ચાર ફલાઇટ છે તે તમામ લેઇટ ચાલતી હોવાનું અને મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોવાની મુસાફરો દ્વારા ફરિયાદ ઉઠી છે. રાજકોટ એરપોર્ટ ઓર્થોરિટી પણ આ અંગે પોતાના હાથ ઉંચા કરી એર ઇન્ડિયાના સ્ટાફ પર દોષનો ટોપલો ઢોળી દેતા હોવાના કારણે મુસાફરો વારંવાર રજળી રહ્યા છે. ગઇકાલે તો કેટલાક મુસાફરોએ એર ઇન્ડિયા પાસે એર ક્રાફટની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માગ કરી ત્યારે એર ઇન્ડિયા પાસે એર ક્રાફટની કમી હોવાનું જાણવા મળ્યું હતું.