ગુજરાતમાં મીઠાનો ભરાવો: મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજયોમાં તંગી: રેકની ક્ષમતા મામલે ગુંચવણ મીઠા ઉદ્યોગને નુકશાનકારક
રેલવે તંત્ર દ્વારા ગુજરાતને ઓછી રેક આપવામાં આવતા મીઠા ઉદ્યોગની માઠી બેસે તેવી દહેશત છે. રેલવેના નિર્ણયના કારણે સમગ્ર દેશમાં મીઠા ઉદ્યોગને ફટકો પડશે. રેલવે વિભાગ દ્વારા ગુજરાતને મહિને અપાતી રેક ૧૫૦માંથી ઘટાડી માત્ર ૯૦ કરી દેવાઈ છે.
દર વર્ષે ગુજરાતમાં ૨.૬ કરોડ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. જેમાંથી ૮૦ થી ૯૦ ટકા મીઠાની નિકાસ થાય છે. જયારે ૫૦ લાખ ટન મીઠુ ઉદ્યોગ તથા અન્ય ઉપયોગ માટે વપરાય છે. રેલવેના નિર્ણયના કારણે મીઠાની સપ્લાય ઉપર ઘેરી અસર થઈ છે જેના કારણે ભાવમાં કુદરતી વધારો થવાની દહેશત મીઠાના ઉત્પાદકો વ્યકત કરી રહ્યાં છે.
મુઝફફરનગરના મીઠાના વેપારીઓ સુરેશકુમાર જૈને જણાવ્યું હતું કે, અમે મીઠાની અછત અનુભવી રહ્યાં છીએ. જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો ભાવ વધારવા માટે અમારો મજબૂર થવું પડશે. અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી મોટાભાગનું મીઠુ નિકાસ થતું હોય છે. રેલવે દ્વારા રેક ઘટાડી દેવાનો નિર્ણય લેવાતા અન્ય સ્થળોએ સોર્ટેજ જોવા મળી રહી છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં મીઠાનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થાય છે. રેલવેના એક રેકમાં ૨૫૦૦ ટન મીઠુ સમાઈ છે. રેલવેએ મહિનામાં ૧૫૦ રેકની જગ્યાએ ૯૦ રેક કરતા મીઠાની નિકાસ ઘટી છે. મોટાભાગનું મીઠુ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને સહિતના રાજયોમાં થાય છે. હવે નિકાસ ઘટતા ત્રણેય જિલ્લાઓના ગોડાઉનમાં મીઠાનો ભરાવો થયો છે.
આ મામલે ખારાઘોડાના હિંગોર દેસાઈએ જણાવ્યું હતું કે, મીઠાનો સ્ટોક કરવા માટે હવે અમારી પાસે જગ્યા નથી. જયારે બીજી તરફ ખરીદદારો મીઠુ ડીલીવરી માટે ઉતાવળ કરી રહ્યાં છે. અમે રેલવે પાસે દરરોજના પાંચ રેકની માંગણી કરતા નથી પરંતુ યોગ્ય રસ્તો કરવા કહીએ છીએ.
આ મામલે ગાંધીધામ મીઠા ઉત્પાદક એસો.ના પ્રમુખ બચુ આહિરે કહ્યું હતું કે, રેલવે વિભાગ હાલ ૨૫૦૦ ટન મીઠુ રેકમાં સમાવે છે. તેઓ કેપેસીટી ૪૦૦૦ ટનની કરવા માંગે છે.
પરંતુ આ વાત તાત્કાલીક શકય નથી અમે ૨૫૦૦ ટનનો ઓર્ડર લીધો છે. ઉપરાંત મોટા રેક તમામ રેલવે સ્ટેશન ઉપર ઉભા રાખી શકાય તેવી સ્થિતિ નથી.
પહેલા પેન્ડીંગ ઓર્ડર કલીયર થઈ જાય ત્યારબાદ અમે ખરીદદારોને ૪ હજાર ટનનો ઓર્ડર દેવા જણાવીશું.