હજુ અનેક કામદારો ગુમ હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ
મિઝોરમના આઈઝોલથી લગભગ 20 કિમી દૂર સાયરાંગ વિસ્તારમાં એક નિર્માણાધીન રેલ્વે બ્રિજ તૂટી પડ્યો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 કામદારોના મોત થયા હતા. તો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓને વળતરની જાહેરાત કરી છે.
આજે બુધવારે મિઝોરમના સાયરાંગ વિસ્તાર પાસે એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોના મોત થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઘટનાસ્થળે હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે, કારણ કે જ્યારે આ ઘટના આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર સવારે 10 વાગ્યાની આસપાસ બની ત્યારે ત્યાં 35-40 કામદારો હાજર હતા. પીએમ નરેન્દ્ર મોદીએ આઈઝોલ રેલ્વે ઓવર બ્રિજ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને પીએમ ફંડ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ ટ્વીટર પર લખ્યું કે, આઈઝોલ નજીક સાયરાંગ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ આજે તૂટી પડ્યો. ઓછામાં ઓછા 17 કામદારોના મોતના સમાચાર મળ્યા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. તેણે લખ્યું, આ દુર્ઘટનાથી ખૂબ જ દુ:ખી અને પ્રભાવિત. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. તો, બચાવ કાર્યમાં મદદ કરવા માટે મોટી સંખ્યામાં આગળ આવેલા લોકોનો હું આભાર વ્યક્ત કરું છું.એનએફ રેલવેના સીપીઆરઓ સબ્યસાચી ડેએ જણાવ્યું કે, રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઉત્તરપૂર્વ સરહદ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળની મુલાકાત લેશે. એક પોલીસ અધિકારીએ કહ્યું, અત્યાર સુધી કાટમાળમાંથી 17 મૃતદેહો મળી આવ્યા છે. અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.