વીરપુર- વિરપુર-રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર પાસે આવેલ પીઠડીયા ટોલ પ્લાઝા થી લઈને ગોંડલ સુધીના 35 કિમીના અંતરમાં 15 જેટલા પુલની રેલીંગ છેલ્લા ઘણા સમયથી તૂટી ગઈ હોવા છતાંય નેશનલ હાઈ વે ઓથોરિટી દ્વારા રીપેરીંગની ન કરી કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઇ રહ્યા હોય તેવુ વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે.
કરોડો રૂપિયાનો ટોલ ટેક્ષ વસુલતા ટોલ નાકા પાસે રોડ પુલ રીપેરીંગ કરાવાની હાઈ વે ઓથોરીટીની જવાબદારી હોવા છતાંય રીપેરીંગની કંઈ કામગીરી કરવામાં આવતી નથી. જેમાં જેતપુર-રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર ગામ પાસે માત્ર બે કે ત્રણ કિલોમીટરના અંતરમાં જ 5 જેટલા પુલની રેલીંગ છેલ્લા છ એક મહિનાથી તૂટી ગઈ છે જેમાં કિંગ વોટર પાર્ક સામે તેમજ બિહામણી પુલ, બસ સ્ટેન્ડ પાસે તોરણ હોટલ સામેનો પુલ તેમજ જેઠાબાપા મંદિર પાસેનો પુલની રેંલીગ તૂટેલ હાલતમાં છે.
જ્યારે થોડા દિવસ પૂર્વે જ જેઠાબાપાના પુલ પાસે દૂધ ભરેલ એક ટ્રક પુલ નીચે ખાબકયો અને અઠવાડિયા બાદ સામેની બાજુની રેલીંગ તોડી સિમેન્ટ ભરેલ એક ટ્રક પુલ હેઠળ ખાબક્યો જેથી ત્યાં પુલ બંને બાજુ રેલીંગ વગરનો થઈ ગયો છે. પુલ નીચેથી વીરપુર થી મેવાસા, જેપુર, હરિપુર, થોરાળા સહિતના 15 જેટલા ગામે જવાનો રસ્તો છે તેમજ વીરપુરના ખેડૂતો પણ આ પુલ નીચેથી પસાર થઈને પોતાના ખેતરે જાય છે.
સદભાગ્યે હજુ સુધી અકસ્માત સમયે પુલ ઉપરથી વાહન નીચે ખાબકતા સમયે નીચે પસાર થતા કોઈ લોકોને જાનહાની થઈ નથી. ત્યારબાદ આ પુલની રેંલીગ આજ દીવસ સુધી રીપેર ન કરી હાઈ વે ઓથોરિટી જાણે કોઈ મોટી જાનહાની થવાની રાહ જોતું હોય તેવું વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે વાહન ચાલકો પાસેથી હાઇવે ઓથોરિટી દ્વારા મસમોટા ટોલ ટેક્ષ ઉઘરાવી સુવિધા નામે સાવ ઝીરો સાબિત થઈ છે ત્યારે હાઈવે ઓથોરિટી તંત્ર 15 જેટલા પુલોની તૂટેલ રેંલીગો સત્વરે રીપેરીંગ કરવા વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે.