શેડનું નિરીક્ષણ કરી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાની સરાહના કરી: ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા
અમદાવાદ મંડળના રેલ પ્રબંધક દિનેશ કુમારે વટવાના ડિઝલ શેડની મુલાકાત લીધી હતી. રેલ પ્રબંધકે શેડના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી શેડ પરીસરમાં સ્વચ્છતા અને ઉપલબ્ધીઓ બાબતે પ્રસન્નતા વ્યકત કરી હતી. વટવાના એન્જીનીયરે રેલ પ્રબંધકને શેડની નવીનતમ ઉપલબ્ધીઓ સાથે અમલમાં મુકાયેલ પરીવર્તનોથી માહિતગાર કર્યા હતા.
આશરે ૨૦.૫ લાખ લીટર વરસાદના પાણીના સંગ્રહની પ્રણાલી સ્થાપિત કરીને વટવાના ડિઝલ શેડે પર્યાવરણ સંરક્ષણમાં પોતાની ભાગીદારીની શૃંખલામાં નવો અધ્યાય ઉમેર્યો છે. વટવાના ડિઝલ શેડમાં જળ સંચયની નવીનતમ ટેકનિક સ્થાપિત કરી જળસંગ્રહમાં વધારો કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે. સંગ્રહ કરાયેલા પાણીની અધિકતમ ઉપયોગ થઈ શકે અને જળસંકટના નિવારણમાં રાહત મળે તે માટેનું પ્રેરક પગલુ ભરવામાં આવ્યું છે.
૬૩૩૪ સ્કવેર મીટર વિસ્તારમાં વરસાદી પાણીને ૧૦ હજાર લીટરના ટેન્કમાં એકત્રિત કરી આ જળનો પુન:વપરાશ કરવો તેમજ ભુસ્તરને રીચાર્જ કરવામાં આવશે. મંડળ રેલ પ્રબંધકે શેડમાં સ્થાપિત એલઈડી સ્ક્રીનનું પણ નિરીક્ષણ કર્યું હતું. શેડ કર્મચારીઓ સાથે દુષ્યન્ત ભારદ્વાજે મંડળ રેલ પ્રબંધક સમજ સ્વરચિત કવિતા, ગાયન અને સ્વચ્છતા તેમજ સુરક્ષા સંબંધિત લઘુ નાટીકાઓ રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધકે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કર્મચારીને સન્માનિત કર્યા હતા.
મંડળ રેલ પ્રબંધકે તેમના ઉદબોધનમાં શેડ પરિસરની સાફ-સફાઈ, ટેકનીકલ સુધારાઓના પ્રયાસોની સરાહના કરી હતી.