રાજકોટમાં આયોજિત ચિંતન શિબિર પત્યા બાદ ઓચિંતું ચેકીંગ કરવા મંત્રીનો આદેશ છૂટતા અધિકારીઓની મધરાત સુધી દોડધામ રહી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છના દરેક જિલ્લામાં પુરવઠા અધિકારીઓએ પેટ્રોલ પંપો ઉપર દરોડા પાડ્યા હતા. હવે આ દરોડાના રિપોર્ટ તેઓ ગાંધીનગરમાં નિયામકને કરવાના છે.
ચિંતન શિબિર પત્યા બાદ ઓચિંતું ચેકીંગ કરવા મંત્રીનો આદેશ આવતા અધિકારીઓની મધરાત સુધી દોડધામ
તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્ર સિવાયના વિસ્તારમાં જઈ પેટ્રોલ પંપ ઉપર કર્યું ચેકીંગ, હવે ગાંધીનગરમાં નિયામકને કરાશે રિપોર્ટ
રાજકોટ જિલ્લામાં બામણબોર નજીક આવેલ પંપનું સુરેન્દ્રનગરના પુરવઠા અધિકારી પ્રિયંક ગરચરે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ
ગઈકાલે રાજકોટમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લા પુરવઠા અધિકારીઓ અને પૂરવઠા મેનેજરોની ચિંતન શિબિર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ શિબિર પત્યા બાદ મંત્રીએ દરેક પુરવઠા અધિકારીને એક-એક પેટ્રોલ પમ્પ ચેક કરવા આદેશ આપ્યો હતો. સાથે દરેક ડીએસઓને પોતાના કાર્યક્ષેત્ર બહારના વિસ્તારમાં ચેકીંગ કરવા જણાવ્યું હતું. ટીમમાં પણ બીજા જિલ્લાના ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટને રાખવાની સૂચના અપાઈ હતી.
આમ શિબિરી પત્યા બાદ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લામાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી. જે મધરાત સુધી ચાલુ રહી હતી. 12 જિલ્લા પુરવઠા અધિકારીઓએ 12 જિલ્લાના એક-એક પેટ્રોલ પંપ ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં રાજકોટમાં સુરેન્દ્રનગરના ડીએસઓ પ્રિયંક ગરચરે અમદાવાદ હાઇવે ઉપર બામણબોર પાસે આવેલ પેટ્રોલ પમ્પની ચકાસણી કરી હતી. હવે આ તમામ પુરવઠા અધિકારીઓ ચેકીંગનો રિપોર્ટ ગાંધીનગરમાં નિયામકને કરવાના છે.
ઉલ્લેખનીય છે કે પુરવઠા તંત્ર દ્વારા મહિનામાં બે પેટ્રોલ પમ્પ અને ગેસ એજન્સીની ફરજીયાત ચકાસણી કરવાની હોય છે. કોરોના બાદ આ કામગીરી લોલમલોલ ચાલી રહી છે. ત્યારે હવે મંત્રીના આદેશો છૂટતા હવે ફરી પેટ્રોલ પમ્પમાં દરોડા ચાલુ થયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપમાં પાયાની સવલતો જાહેર ઉપયોગ માટે રાખવાની હોય છે, જેમાં રાજકોટ શહેરના અમુક પેટ્રોલ પંપ ઉપર આવી સવલતોનો અભાવ જોવા મળી રહ્યો છે. છતાં પણ અધિકારીઓ દ્વારા આ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.