આરોપીઓને શોધવા પોલીસનો રાતભર ધમધમાટ
જસદણના સાણથલી અને કાનપરના જુના કાચા માર્ગે કોટડાસાંગાણી તાબેના જુના રાજપીપળા ગામના એક કોળી સમાજના છોટા હાથી ટેમ્પો ચાલકની ગળેટુંપો આપી હત્યા થતા રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને ગોંડલ વિભાગીય પોલીસ વડા તથા આટકોટ પોલીસ મથકના પીએસઆઈ સ્ટાફએ હત્યાનો ભેદ ઉકેલવા રાતભર દોડધામ કરી છે. હત્યારનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના જુના રાજપીપળા ગામના શૈલેષભાઈ અરજણભાઈ ડાભી જાતે.કોળી (ઉ.વ.૪૦) નામનો યુવાન લાંબા સમયથી છોટા હાથી ટેમ્પોમાં શાક-બકાલાના ભાંડા કરે છે તે ગુરુવાર સવારથી તેના ગામ જુના રાજપીપળાથી કોઈ ભાડુ લઈને ગયો શુક્રવાર બપોર સુધી તેમના ઘરે પરત ન ફરતા આ અંગે તેમને ફોન લગાડતા ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.
જોકે મૃતક શૈલેષભાઈ કોનુ ભાડુ લઈને કયાં ગયા છે તે તેમના ઘરના સભ્યોને જાણ નહોતી. અચાનક શુક્રવારે સાંજે તેમના ગામમાં જાણ થઈ કે શૈલેષની હત્યા થઈ છે. તે પૂર્વે આટકોટ પોલીસ ત્યાં પહોંચતા શૈલેષની લાશ સાણથલી કાનપરના કાચા રસ્તા પર છોટા હાથી ટેમ્પોની કેબિનમાં ગળે ટુંપો અને મોઢા પર તથા પાછળના ભાગે ઉઝરડાના નિશાન હાલતમાં મળતા તે અંગે જુના રાજપરા ગામના ગ્રામ્યજનો અને મૃતકના પરિવારજનો જસદણ દોડી આવ્યા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આટકોટ પોલીસ સ્ટાફે રાતભર તપાસનો ધમધમાટ આદર્યો હતો.
તેમના પરીવારજનોએ જણાવ્યું કે, શૈલેષને કોઈની સાથે વેરઝેર નહોતું અને વ્યસની પણ નહોતો આ હત્યા કોણે કરી હશે ? સવારે મૃતક શૈલેષના મૃતદેહ પી.એમ કરી તેના સંબંધીઓ તેના વતન જુના રાજપીપળા લઈ ગયા હતા મૃતકને સંતાનમાં એક ૧૩ વર્ષની પુત્રી અને ૯ વર્ષનો પુત્ર છે અને ટેમ્પોના ભાડા સાથે પોતાની ખેતીમાં મજુરી કરી પેટીયુ રળતો હતો.
આ હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ કરી છે તે પૂર્વે પોલીસ તપાસમાં પીપળીયામાં શુક્રવારે એક દુકાનમાં ડીઝલ માટે ગયેલો તેના સીસીટીવી ફુટેજ પણ નિહાળ્યા અને મૃતક બે મોબાઈલ રાખતો અને તે પૈકી એન્ડ્રોઈડ મોબાઈલ ગુમ હતો. સાદો ફોન તેમના ખીસ્સામાં હતો અને પૈસાનું પાકીટ ગુમ હતું. મૃતકને દોરડાથી ગળેફાંસો અપાયો તે દોરડું તેમના ગળામાં હતું. શરીર પર ઝપાઝપીના નિશાન સાથે લાશને ઢસડી પછી જ છોટા હાથી ટેમ્પોમાં ડ્રાઈવર કેબીનમાં મુકાયાની તપાસ થઈ હતી.