ઘોડીપાસાની જુગાર કલબ પર પોલીસ ત્રાટકતા થયેલી નાસભાગમાં કુખ્યાત મહેશનું હહૃય બંધ થઇ ગયું
રાજકોટના શખ્સો જુગાર રમવા પહોચ્યા’તા: અન્ય બે શખ્સોને બીપી વધતા સારવારમાં ખસેડયા
ચોટીલાના મેવાસા શેખલીયા ગામની સીમમાં ચાલતી ઘોડીપાસાની જુગાર કલબ પર મોલડી પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી જતાં રાજકોટના આજી ડેમ પાસેના માનસરોવર પાર્ક નામચીન મહેશ ગમારાનું શંકાસ્પદ મોત નીપજતા સનસનાટી મચી ગઇ છે.
ઘોડીપાસાનો જુગાર રમવા પહોચેલા રાજકોટના શખ્સોમાં થયેલી ભાગ દોડના કારણે અન્ય બે શખ્સોના બીપી વધી જતા પોલીસે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. મહેશ ગમારાનું હાર્ટ એટેકથી મોત થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાય રહ્યું છે. બીજી તરફ મૃતકનું વીજ શોકના કારણે મોત થયાનું સામે આવતા મોતનું ચોક્કસ કારણ જાણવા માટે રાજકોટ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ મૃતદેહ મોકલ્યો છે.
સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે આવી પરિસ્થિતિને સુધારવા માટે જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે અને જુગારધારા હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાઓને ઝડપી પાડવા એક ખાસ ઝુંબેશના ભાગરૂપે મોલડી પોલીસ દ્વારા મેવાસા ગામની સીમમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ચોટીલાના મોલડી પોલીસ સ્ટેશનને મળેલી ખાનગી બાતમીના આધારે મેવાસા શેખલીયા ગામ પાસે ચાલતા જુગારધામ ઉપર રેડ કરી અને આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારે આ રેડ દરમિયાન જુગાર રમનાર ઈસમો માં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે દરમિયાન મેવાસા શેખલીયા ગામની સીમમાંથી જુગાર રમતા છ ઈસમોને મોલડી પોલીસ દ્વારા અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ જુગાર ધામ ઉપર રેડ દરમ્યાન જુગાર રમતા ઇસમો માં નાસભાગ મચી જવા પામી હતી તેમાં બે શખ્સોની તબિયત લથડી હતી અને રાજકોટના કુખ્યાત મહેશભાઈ ગમારા નું ત્યાં મોત નિપજવા પામ્યું હતું પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર અને પોલીસ દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર મોલડી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી તે સમયે નાસભાગમાં રાજકોટના કુખ્યાત મહેશભાઈ ને હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.
બીજી તરફ ચર્ચાનો વિષય એ પણ છે કે રેડ દરમિયાન નાસભાગ સમયે આ વિસ્તારના ખેડૂતોને રાત્રી દરમિયાન જેવી જ પાવર આપવામાં આવી રહ્યો છે તેની મુખ્ય લાઇનને મહેશભાઈ ગમારા ટચ કરી ગયા હોય અને તેમને શોટ લાગ્યો હોય અને તેમનું મોત નિપજવા માં આવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે હજુ સુધી સાચું કારણ બહાર આવ્યું નથી.
ત્યારે આ રેડ દરમ્યાન અન્ય બે લોકો અને પણ નાની-મોટી ઇજાઓ પહોંચવા પામી છે હાલમાં બંને ને સારવાર માટે પોલીસ દ્વારા ચોટીલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બંને ઈસમોની સારવાર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે હાલમાં હોસ્પિટલ ખાતે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ ઈસમોના પરિવારજનોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે દોડી આવતા ડીવાયએસપી સહિતની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી ગઇ છે અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના કુખ્યાત મહેશભાઈ ગમારા નું રહસ્યમય મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
જુગાર રમતા પાંચ શખ્સોની ઘરપકડ
રાજકોટ પોલીસથી બચવા મેવાસા-શેખલીયામાં ઘોડીપાસાની જુગાર કલબ શરૂ કરી’તી
રાજકોટ પોલીસથી બચાવા માટે ઘોડીપાસાના જુગારના પંટરો ચોટીલા પંથકના મેવાસા-શેખલીયા ગામની સીમમાં ટેકરી પર જુગાર કલબ શરૂ કરી હતી. મોલડી પોલીસે જુગાર કલબ પર દરોડો પાડી રાજકોટના દરબારગઢ હવેલી ચોકના મુકેશ લક્ષ્મીદાસ કોટક, બજરંગવાડીના સતાર હબીબ મોટલીયા, પેડક રોડ પરના નિલેશ મુળુ મુંજવાર, રામનાથપરાના ઇમરાન નુરા કારવા અને રણછોડનગરના અલ્પેશ ઉર્ફે દિપો મનોજ ડોડીયા નામના શખ્સોની રૂા.3.56 લાખની રોકડ સાથે ધરપકડ કરી એક કાર અને ચાર મોબાઇલ મળી રૂા.6.86 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન મચેલી નાસભાગમાં નામચીન મહેશ સોમા ગમારાનું મોત નીપજ્યું હતું.