૨૮ મોબાઈલ ઉપરાંત રૂ.૬ લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગરના નવાગામ ઘેડમાં આવેલી પટેલ વાડી શેરી નં.૧માં એક મકાનમાં લાંબા સમયથી જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી મળતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીની સ્ટેટ મોનીટરીંગ સેલે ગઈકાલે દરોડો પાડતા તે સ્થળેથી મકાન માલિક સહિત અઠ્ઠયાવીસ શખ્સો ઝડપાયા છે. જુદા જુદા ટેબલ પર ટોકન વડે જુગાર રમાતો હોવાનો ગુન્હો નોંધાયો છે. રોકડ, નવ વાહન, અઠ્ઠયાવીસ મોબાઈલ, ગંજીપાનાના ભરેલા બોક્સ સહિત રૃા.છએક લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ દરોડા અંગે સ્થાનિક પોલીસને સંપૂર્ણ રીતે અજાણ રાખવામાં આવી હતી.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી પટેલવાડીના ખૂણા પર નથુ બેલા આહિરના મકાનમાં જુગારનો અખાડો ધમધમતો હોવાની વિગતો રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની ટૂકડી-સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા ગઈકાલે સાંજે આ ટૂકડી બે વાહનોમાં જામનગર ધસી આવી હતી.
આ ટૂકડીએ નથુ બેલા આહિરના મકાનને શોધી કાઢયા પછી તેમાં વિધિવત દરોડો પાડતા તે સ્થળેથી અઠ્ઠયાવીસ શખ્સો જુદા જુદા પાટલાઓ પર જુગાર રમતા મળી આવ્યા હતા.
સ્થાનિક પોલીસને અજાણ રાખી પાડવામાં આવેલા આ દરોડાના અહેવાલ લાકડિયા તારની માફક ફરી વળતા મકાન પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા તે મકાનમાં કાર્યવાહી આરંભાયા પછી લાંબા સમય સુધી પોલીસ કાફલો આરોપીઓને લઈને બહાર નહીં નીકળતા ત્યાંના રહેવાસીઓ અને અખબાર તેમજ ઈલેકટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા, એક તબક્કે મકાન માલિક નથુભાઈ રામશીભાઈ બેલાએ પોતાની પાસે રમી રમાડવા માટે હાઈકોર્ટનો સ્ટે હોવાની પણ વાત કરી હતી, પરંતુ કલાકો સુધી ચાલેલી લાંબી પ્રક્રિયાના અંતે સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાં જુગાર રમતા શખ્સો સામે વિધિવત ગુન્હો નોંધાવ્યો છે.
આ ટૂકડીને પો.કો. મહેન્દ્રસિંહ એચ. સોલંકીએ આજે વહેલી સવારે છ વાગ્યે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે પટેલવાડી શેરી નં.૧ના ખૂણા પર આવેલા નથુભાઈ બેલાના મકાનમાં તેઓને નાલ આપી ભોઈવાડામાં રહેતા અનિલ કરશન જેઠવા, મોરકંડા રોડ પર રહેતા હુસેન અબ્દુલ મોદી, કાલાવડ શિતલાના ઈબ્રાહીમ અહમદ સંધી, ગુલાબનગરવાળા જેઠાલાલ દેવણદાસ નગપાલ, મહારાજા સોસાયટીવાળા હૈદર સાહેબઅલી મોદી, જલારામનગરવાળા સુરેશ વલ્લભભાઈ બુદ્ધદેવ, શાંતિવન સોસાયટીવાળા ગગુભાઈ માણસુરભાઈ છૈયા, મીનારા ફળીવાળા અબ્બાસ તાહેદઅલી વરપાર, રવિ પાર્કવાળા ધર્મેન્દ્ર રમેશભાઈ પરમાર, ખાનકોટડાના જીવરાજ મોહન ગલાણી, સિક્કાના રમેશ બાબુલાલ ભુચલા, કે.પી. શાહની વાડીવાળા મહેશ ઓધવજી ભટ્ટ, પીપરટોડાના વિજયસિંહ નટુભા જાડેજા, કાલાવડ શિતલાના સજુભા પ્રવિણસિંહ જાડેજા, કાલાવડના મનસુખભાઈ મોહનભાઈ સોલંકી, રામદેવભાઈ પીઠાભાઈ કોઠા સહિતના અઠ્ઠયાવીસ શખ્સો જુદા જુદા ટેબલ પર જુગાર રમતા મળી આવ્યા છે.
આ ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યા મુજબ નથુભાઈ બેલાએ પન્ટરો પાસેથી નાણા લઈ તેઓને અલગ અલગ કિંમતના ટોકન આપી, અલગ અલગ ટેબલ પર જુગાર રમવાના સાધનો પૂરા પાડયા હતા. મોનીટરીંગ સેલે ત્યાંથી રૃા.૩ લાખ ૭૪ હજાર ૬૫૦ રોકડા, રૃા.૪ લાખ ૧૮ હજાર ૭૦૦ના ટોકન, ગંજીપાનાની ચાર કેટ, ગંજીપાનાના તેર બોક્સ, અઠ્ઠયાવીસ મોબાઈલ, નવ વાહન અને ઝડપાયેલા આરોપીઓના કબજામાંથી રૃા.૫૫૫૪૦ની રોકડ મળી કુલ રૃા.૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે.