એસઓજીએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ અને સાત હજાર લિટર બાયો ડીઝલ મળી રૂ.૧૭.૫૯ લાખનો મુદ્દામાલ કબજે
નવા બનેલા સુલતાનપુર પોલીસ મથકની હદમાં આવતા શ્રીનાથગઢ ગામે ગેરકાયદે ધમધમતા બાયોડીઝલના પંપ પર એસઓજીએ દરોડો પાડી મુખ્ય સૂત્રધાર અને બાયો ડીઝલ પૂરાવવા આવેલા ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચના ચાલકની ધરપકડ કરી કુલ રૂા. ૧૭.૫૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. છેલ્લા ચારેક માસથી બાયો ડીઝલ વેચાતું હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
વિગતો મુજબ એસઓજીના ઇન્ચાર્જ પી.આઈ. બી.સી. મિયાત્રાએ મળેલી ચોક્કસ બાતમીના આધારે શ્રીનાથગઢ ગામે ગોંડલ-વાસાવડ રોડ પર આવેલી ખેતીની જમીનમાં ઓરડી બનાવી ત્યાં ધમધમતા બાયો ડીઝલના પંપ પર દરોડો પાડયો હતો. સ્થળ પરથી રૂા. 5.54 લાખનો બાયો ડીઝલ મળી આવ્યું હતું. આ ઉપરાંત સ્ટોરેજ ટેન્ક, ફ્યુઅલ પંપ, ઇલેક્ટ્રીક મોટર, પ્લાસ્ટિકની સ્ટોરેજ ટેન્ક પણ મળી આવ્યા હતાં. એસઓજીએ દરોડો પાડયો ત્યારે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ બાયો ડીઝલ પૂરાવવા આવી હતી. જેથી એસઓજીએ તેના ચાલક નીલેશ દિનેશ સોલંકી (ઉ.વ. 27, રહે. બિલડી, તા. ગોંડલ)ની પણ અટકાયત કરી હતી. આ ઉપરાંત મુખ્ય સૂત્રધાર કેતન જેન્તીભાઈ જોધાણી (ઉ.વ. 31, રહે. શ્રીનાથગઢ, તા. ગોંડલ)ની પણ અટકાયત કરી હતી. બંને આરોપીઓ વિરૂધ્ધ સુલતાનપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે એસઓજીએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ પણ કબ્જે કરી હતી. જેની કિંમત રૂા. 10 લાખ ગણી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા ચારેક માસથી આ સ્થળે બાયો ડીઝલ વેચાતું હોવાની માહિતી મળી છે. પોલીસથી બચવા માટે સવારે 4 થી 6 એમ માત્ર બે કલાક સુધી જ પંપ ચાલુ રખાતો હતો. જેમાં કાયમી ગ્રાહકોને બાયો ડીઝલ પૂરી દેવામાં આવતું હતું.આરોપીની પૂછપરછમાં મહેસાણાનો પાર્થ પટેલ આ બાયો ડીઝલનો જથ્થો યુટીલીટીમાં મોકલતો હોવાનું જણાવાયું છે. જેથી તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. પ્રાથમિક તપાસમાં જ કબ્જે કરાયેલું 7206 લીટર જ્વલનશીલ પ્રવાહી બાયો ડીઝલ હોવાનું સ્પષ્ટ થયું છે. આમ છતાં તેના નમૂના લઇ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.