દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવી શરૂ થયેલી રાહુલ ગાંધીની યાત્રા અનેક ધાર્મિક સ્થળોને આવરી લેશે
ભાજપ હંમેશાથી હિન્દુત્વના નામે મત અંકે કરવામાં સફળ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ મુસ્લિમો સહિતની કોમના મત અંકે કરવા રાજકારણ રમવામાં માહેર છે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર-પ્રસારનો રંગ થોડોક કેસરીયો થતો જોવા મળી રહ્યો છે. દ્વારકા, વિરપુર, કાગવડ, ચોટીલા, ડાકોર અને પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂકેલા રાહુલ ગાંધી ફરી એક વખત ધાર્મિક પોલીટીકલ યાત્રા પર નિકળશે.
તાજેતરમાં સૌરાષ્ટ્રનો ત્રણ દિવસનો પ્રવાસ કરી ચુકેલા રાહુલ આગામી તા.૯ થી ૧૧ દરમિયાન મધ્ય ગુજરાતને ધમરોળશે. રાહુલ ગાંધી નડીયાદમાં સંતરામ મંદિર, ફાગવેલમાં ભાથીજી મહારાજ મંદિર તેમજ પાવાગઢમાં મહાકાળીના મંદિરે ઉપરાંત ડાકોર અને ખેડાના મંદિરોમાં શિશ ઝુંકાવશે. ઉપરાંત રાહુલ ગાંધીએ વડોદરા અને બોડેલીમાં રોડ-શો કરશે અને ખેડૂતો, વેપારીઓ સાથે સંવાદ યોજશે.
દિવાળી બાદ રાહુલ ગાંધી નોર્થ ગુજરાતની યાત્રાએ નીકળશે. જયાં તેઓ અંબાજી, બહુચરાજી અને ઉંઝાની મુલાકાત લેશે. સૌરાષ્ટ્રના સફળ રોડ-શો બાદ હવે રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શ‚ કરશે. મધ્ય ગુજરાતના આઠ જિલ્લામાં તેઓ ખેડૂતો અને વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને સંબોધન કરશે. બોરસદ ખાતે તેમની ચાર અગત્યની બેઠકો છે તેવું ભરતસિંહ સોલંકીનું કહેવું છે.
ભાજપના હિન્દુત્વના ગઢને તોડવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રથી શ્રી ગણેશ કર્યા હતા. હિન્દુ મતોને રિઝવવા માટે તેમનો આ પ્રયાસ લાંબાગાળે રંગ લાવી શકે તેવી શકયતા છે. એક તરફ રાહુલની યાત્રા છે તો બીજી તરફ ભાજપે ગૌરવ યાત્રા શ‚ કરી દીધી છે. બન્ને પક્ષો ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ઉંધે માથે થયા છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા ગંભીર જણાતા હોવાથી આ વખતે કોંગ્રેસની રણનીતિ ભાજપના ગણાતા હિન્દુ મતો તોડવાની હોવાનું માનવામાં આવી રહ્યું છે.