યુ.પી.એ. સરકાર કરતા એનડીએનો રાફેલ સોદો વધુ સસ્તો અને સારો: અરૂણ જેટલી
રાફેલ ડીલના વિવાદ પર કોંગ્રેસ અને મોદી સરકાર આમને સામને આવી ગયા છે. ભારત અને ફ્રાન્સ સરકારી વચ્ચે થયેલી આ રાફેલ ડીલને મુદ્દો બનાવી કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર આરોપો મૂકી રહ્યા છે. પરંતુ આ આરોપોમાં રાહુલ ગાંધીનું ગણિત કાચું હોય તેવું ઉભરી આવ્યું છે અને રાફેલ સોદા મામલે આંકડામાં ગુંચવાઇ ગયા હોય તેવું લાગે છે. આ વાતને લઇ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે, રાહુલ ગાંધી રાફેલ ડીલ મામલે અલગ અલગ ભાષણોમાં અલગ અલગ કિંમતો બોલી રહ્યા છે. તેમણે પર૦ કરોડથી લઇ ૭૦૦ કરોડ સુધી ચાર પાંચ અલગ અલગ કિંમતો આંકી છે.
રાહુલ ગાંધી પોતે રાફેલ ડીલની કિંમત મામલે સ્થિર નથી. અને આ જ સાબિત કરે છે કે કોંગ્રેસ જુઠાણા ફેલાવે છે તેમ કહી અરુણ જેટલીએ રાહુલ ગાંધીને આડે હાથે લીધા હતા. તેઓએ આ સાથે રાહુલ ગાંધીને ૧૫ પ્રશ્નો પણ પુછયા છે જેમાં તેમણે પુર્વવતી કોંગ્રેસની નિર્ણય અક્ષમતાના કારણે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજુતી, રાહુલ ગાંધીની સમજ અને કોંગ્રેસ સરકારમાં થયેલા ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને નિશાને બનાવી કોંગ્રેસ પર આક્ષેપ મુકયા છે.
અરૂણ જેટલીએ પ્રશ્નો કરી રાહુલ ગાંધીને પુછયું છે કે શું તેઓ નથી માનતા કે કોંગ્રેસની નિર્ણય અક્ષમતા ના કારણે રક્ષા સામગ્રીની ખરીદીમાં દસ વર્ષ મોડું થયું હતું શું એ વાતને નકારી શકાય કે તેનું કારણ એવું ન હોય કે જેવું બોફોર્સ ખરીદીમાં થયું હતું.
નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, રાફેલ ડીલ ફ્રાન્સ સાથે સીધી વાત દ્વારા થઇ છે. અને તેમાં ૯ ટકા ઓછી કિંમતે ૩૬ રાફેલ ખરીદાઇ છે અને તેમાં ખાસ કરીને ભારતની જરુરીયાત મુજબ ઘણી તકનીકો જોડવામાં આવી છે. અરૂણ જેટલીએ આશા વ્યકત કરી કે રાહુલ ગાંધી તેમના આ ૧પ પ્રશ્નોનો જવાબ જરુર આપશે. તો આ સાથે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે પણ રાફેલ ડીલને લઇ રાહુલ ગાંધીના આરોપો પર પ્રતિઆરોપો કર્યો છે.
અમિત શાહે કહ્યું કે રાફેલ સોદામાં કિંમતો આંકવામાં રાહુલ ગાંધી જુઠાણા ચલાવે છે. જેપીસી એટલે જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી નહિ પણ જુઠી પાર્ટી કોંગ્રેસ થાય કોંગ્રેસના અઘ્યક્ષ રાહુલ ગાંધી ખોટું બોલી પોતાની મુર્ખામીનો પરિચય આપી રહ્યા છે. તેઓએ દિલ્હી, કર્ણાટક રાયપુર, હૈદરાબાદ જયપુર અને સંસદમાં પણ રાફેલ ડીલની અલગ અલગ કિંમતો આંકી છે આ પરથી સાબીત થાય છે કે કોંગ્રેસ ખોટી છે તેમ શાહે આક્ષેપો કર્યા છે.