‘૧૯૮૪ના શીખ વિરોધ રમખાણો સમયે રાહુલ ગાંધી શાળામાં અભ્યાસ કરતા હતા’
કોંગ્રેસ અધ્યક્ષના બચાવમાં આગેવાનો ભાન ભૂલ્યા
યુકેના પ્રવાસ દરમિયાન શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસનો હાથ ન હોવાનું કહી રાહુલ ગાંધીએ વિવાદનો મધપુડો છેડયો
શીખ વિરોધી રમખાણો મામલે રાહુલ ગાંધીએ ઈતિહાસ ભુલીને આપેલુ નિવેદન કોંગ્રેસને ભારે પડી જાય તેવી શકયતા છે. શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસનો કોઈ હાથ ન હોવાનું નિવેદન તાજેતરમાં આપ્યું હતું. ત્યારબાદ આ નિવેદન રાજકીય મુદ્દો બની ગયો છે.
અકાલીદળના પ્રમુખ સુખબીરસિંગ બાદલ સહિતનાએ રાહુલ ગાંધીના આ નિવેદન સામે પ્રચંડ રોષ દાખવ્યો છે. ત્યારે પંજાબના કોંગી મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે રાહુલ ગાંધીનો હાસ્યાસ્પદ બચાવ કરતા કહ્યું છે કે, ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો સમયે રાહુલ ગાંધી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા!
કોંગ્રેસના આવા બચાવથી એ વાત ફલીત થઈ રહી છે કે, જેઓ ઈતિહાસ ભુલે છે તેઓનું ભવિષ્ય અંધકારમય હોય છે. શીખ વિરોધી રમખાણોને કલંક માનવામાં આવે છે. ઓપરેશન બ્લુ સ્ટાર બાદ થયેલા આ રમખાણોમાં કોંગ્રેસના મોટા માથાઓનો હાથ હોવાનો આક્ષેપ થયા છે. ત્યારે રાહુલ ગાંધીએ હવે આ વિવાદને સળગાવ્યો છે. તે સમયે રમખાણોમાં કોંગ્રેસનો હાથ ન હોવાનું રાહુલના નિવેદનના બચાવમાં કોંગ્રેસના આગેવાનો ભાન ભુલી ગયા હોવાનું ફલીત થાય છે.
કોંગ્રેસના પ્રવકતા અભિષેક સંઘવીએ કહ્યું છે કે, શીખ વિરોધી રમખાણો મામલે રાહુલ ગાંધીના નિવેદનનો મુદ્દો ઉછાળી રાજકીય દળોએ ઝખ્મો પર મીઠુ ભભરાવવું ન જોઈએ. એક રીતે રાહુલ ગાંધીએ જે તે સમયે થયેલા બનાવો ભૂલીને કોંગ્રેસનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો છે.
ત્યારે રાહુલને બચાવવાના પ્રયત્નોમાં વધારે વિવાદ સળગે તેવી શકયતા છે. રાહુલ ગાંધીએ ઈતિહાસ ભૂલીને અપરિપકવ નિવેદન આપ્યું હોવાનો આક્ષેપ થયો છે ત્યારે એવું કહેવાય કે ઈતિહાસ ભૂલેલા વ્યક્તિઓનું ભવિષ્ય અંધકારમય હોય છે.
હાલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે છે ત્યારે વિદેશમાં આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ આરએસએસને કટ્ટરવાદી ગણાવતું નિવેદન આપ્યું હતું. ઉપરાંત બેરોજગારી મુદ્દે આતંકવાદ સાથે સરખાવીને પણ વિવાદનો મધપુડો છેડયો હતો. ત્યારે હવે શીખ વિરોધી રમખાણો મામલે કોંગ્રેસનો બચાવ કરવામાં ફરીથી રાહુલ ગાંધીએ કાચુ કાપ્યુ હોવાનું કહેવાય છે.